- પીડિત પક્ષ દ્વારા પ્રતિ મૃતક રૂ. 5 કરોડના વળતરની માંગ મુકવામાં આવી હતી. જેની સામે નાયબ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી રકમ ઓછી છે
હરણી બોટકાંડમાં મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી વળતર અંગે વડોદરાના નાયબ કલેક્ટરની અદાલતમાં સુનવણી હાથ ધરવામાં આવી રહી હતી. જેમાં આખરે આજરોજ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે. જો કે, પીડિત પક્ષ દ્વારા પ્રતિ મૃતક રૂ. 5 કરોડના વળતરની માંગ મુકવામાં આવી હતી. જેની સામે નાયબ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી રકમ ઓછી છે.
જાન્યુઆરી – 2024 માં ન્યુ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ હરણી તળાવમાં પ્રવાસે આવ્યા હતા. દરમિયાન બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજ્યા હતા. અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન પીડિત પક્ષને સાંભળીને વળતરની યોગ્ય રકમ નક્કી કરવા માટે જણાવ્યું હતું. જે બાદ વડોદરાના નાયબ કલેક્ટર સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી. પીડિત પક્ષે પ્રતિ મૃતક રૂ. 5 કરોડની માંગણી કરી હતી.
આજરોજ હરણી બોટકાંડ મામલે વળતર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મૃતક 12 બાળકોને રૂ. 31,75,700 (પ્રતિબાળક) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મૃતક શિક્ષિકા પૈકી છાયા બેનને રૂ. 11,21,900 અને ફાલ્ગુની બેનને રૂ. 16,68,029 ચૂકવવાનો આદેશ કર્યો છે. આ સાથે બે ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારનું વળતર આપવા જણાવાયું છે. વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે આ વળતરની ચૂકવણી કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે, આ વળતરની રકમ પીડિત પક્ષ દ્વારા મુકવામાં આવેલી માંગથી ઘણું ઓછું થવા પામે છે. આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.