- સયાજી હોટલનું ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે – જાગૃતિબેન કાકા
વડોદરાના જેતલપુર બ્રિજ અને ભીમનાથ બ્રિજ વચ્ચે આવેલી સયાજી હોટલમાંથી દુષિત પાણીનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. આ મામલો ઉજાગર થતા ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકા આજે અધિકારીઓને લઇને સ્થળ પર પહોંચ્યા છે. અને આ મામલે સયાજી હોટલને સીલ મારીને તેના પાણી અને ડ્રેનેજના કનેક્શન બંધ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે આ મામલે ખરેખર હોટલ સંચાલકો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ મીડિયાને જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીના કિનારે રૂષિ-મુનીઓ દ્વારા તપસ્યા કરવામાં આવી હતી. ભીમનાથ બ્રિજથી આગળ જાઓ તો નીલનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં બોરમાં ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે. તે અંગેની તપાસ કરતા અમને જાણવા મળ્યું કે, સયાજી હોટલનું ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, અને જાણ કરી કે, સયાજી હોટલ સીલ કરીને તેના ડ્રેનેજ અને પાણી કનેક્શન બંધ કરી દેવા જોઇએ. અમારા વોર્ડ નં – 12 અને 13 ના અધિકારીઓને સાથે રાખ્યા છે. આજે સ્ટેન્ડિંગમાં આ અનુસંધાને બંને વોર્ડના અધિકારીને ભેગા રાખીને વિશ્વામિત્રી નદીના કિનારે આવતી હોટલોના ડ્રેનેજના કનેક્શન ચેક કરવા, તેમના કનેક્શન ક્યાં જાય છે, ડેબરીઝ ચેમ્બર બનાવ્યા છે કે કેમ, જો તેમ ના કર્યું હોય તો દંડ કરવો જોઇએ તેવું જણાવાશે.
કોઇ પણ અધિકારી જવાબદારી મામલે એકબીજાને ખો આપતા હોઇ શકે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર તેવા નથી. કમિશનર તેનું સ્પષ્ટ નિરાકરણ લાવશે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો મુકવામાં આવશે. આનું ચોક્કસથી નિરાકરણ લાવીશું. અમે વિશ્વામિત્રી નદીને ક્યારે ગંદી થવા દઇશું નહીં. આ અંગે સ્થાયી પહેલાની સંકલનની બેઠકમાં પણ ધ્યાન દોરવાની છું. કોઇ પણ વોર્ડનો પ્રશ્ન હોય, વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી આવવું જોઇએ નહીં.
પાલિકાના એન્જિનિયર ભાર્ગવ પંડીતે મીડિયાને જણાવ્યું કે, કોર્પોરેટર બહેને એક વીડિયો મોકલ્યો હતો. જેમાં પાણી નીકળતું હોવાનું અને ત્યાં કટ પડ્યો હોય તેમ જણાતું હતું. અમે આજે સ્થળ મુલાકાત કરવા આવ્યા છીએ. જે સ્થળે આ સમસ્યા છે, તે વોર્ડ નં – 12 માં લાગે છે. તે અંગે તેઓ કાર્યપાલક ઇજનેરને ધ્યાન દોરનાર છે. આ કામગીરી ઝડપથી કરવામાં હાથ ધરશે. હું પણ તેમનું ધ્યાન દોરીશ.