- શખ્સોએ દોડી આવીને જણાવ્યું કે, અહિંયા આવવાનું નહીં. બાદમાં ગેરવર્તણુંક કરી
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. આ વાતની રજુઆત સાંસદ-ધારાસભ્યો અનેક વખત જિલ્લા કલેક્ટર સમક્ષ કરી ચુક્યા છે. છતાં બેરોકટોક આ કાર્ય ચાલે છે. તાજેતરમાં ગેરકાયદેસર ખનન કરીને લઇ જવાતી રેતી ભરેલી ટ્રકને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા રોકવામાં આવતા માથાકુટ થઇ હતી. જેમાં તેમની પાસેથી પૈસા લૂંટીને તેમની જોડે ગેરવર્તણુંક કરવામાં આવી હતી. આખરે ડભોઇ પોલીસ મથકમાં 8 થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડભોઇ પોલીસ મથક માં અજયભાઇ નરસિંહભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ડભોઇ પાલિકાના વોર્ડ નં – 9 ના ચૂંટાયેલા સભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાઇને આવ્યા છે. તાજેતરમાં તેઓ મિત્ર સાથે કરણેટ ગામે ડભોઇ પાલિકાના વોટર પંપ પ્લાન્ટ ઉપર હતા. બાદમાં તેઓ નિરીક્ષણ માટે ફ્રેન્ચવેલના સ્થળ પર ગયા હતા. દરમિયાન રેતી ભરેલી ત્રણ ગાડીઓ જોઇ હતી. બાદમાં તેઓ ત્યાંથી આગળ વધ્યા હતા. કામ પતાવીને પરત ફરતા ત્રણ ગાડીઓ ફરી જોવા મળતા તેમણે પુછ્યું કે, આ ગાડીઓ કોની છે. ચાલકોએ જણાવ્યું કે, બંને ગાડીઓ વડોદરાની છે.
ત્યાર બાદ ફરિયાદીએ પોલીસ મથકમાં ફોન કરીને વર્ધિ લખાવી કે, પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર ગાડીઓ રેતી ચોરી કરીને જઇ રહી છે. બાદમાં સંજયભાઇ નગીનભાઇ તથા અન્યએ આવીને જણાવ્યું કે, આ બે ગાડીઓ મારી છે. આ અમારો વિસ્તાર છે, તમારે અહિંયા આવવાનું નહીં. બાદમાં ફરિયાદી જોડે ગેરવર્તણુંક કરી હતી. અને માર મારીને પૈસની લૂંટ કરી હતી.
બાદમાં સંજયભાઇએ કહ્યું કે, ખોડીયાર ટ્રાન્સપોર્ટ લખેલી ગાડીઓ મારી છે, કોઇ દિવસ રોકતો નહીં. હું કોઇક દિવસ તને ગાડી ચઢાવીને મારી નાંખીશ. આ બાદ વિનુભાઇ પાટણવાડીયા તથા મુકેશભાઇ પાટણવાડીયા આવી ગયા હતા. અને ફરિયાદીને કહ્યું કે, શું તમે કલેક્ટર છો, એસપી છો, કે દર વખતે આવી જાઓ છો. ત્યાર બાદ બંને કાંટા પર પહોંચ્યા હતા. ત્યાં ત્રણ પૈકી બે ગાડીઓ ગાયબ હતી. અને એક માત્ર ગાડી જોવા મળી હતી.
આખરે સમગ્ર મામલે સંજયભાઇ નગીનભાઇ પાવા, પ્રિત સંજયભાઇ પાવા, તક્ષ સંજયભાઇ પાવા (રહે. જુની માંગરોલ, ડભોઇ, વડોદરા ગ્રામ્ય), અજીતભાઇ મોતીભાઇ રોહિત (રહે. રતનપુર, સંખેડા, છોટાઉદેપુર), જગદીશભાઇ પરાગભાઇ રોહિત (રહે. ભીમપુરા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય) પ્રિતેશ પાટણવાડીયા, મુકેશભાઇ પાટણવાડીયા તથા અન્ય ઇસમો સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.