- દિવાળી બોનસની માથાકુટ થતા ટીપ આપી હતી
- આકરી પુછપરછમાં બંને ભાંગી પડ્યા
- ટીપના આધારે રીઢા શિકલીગર સાથે મળીને કાર ચોરી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું
તાજેતરમાં વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રૂ. 11.75 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. પરિવારને બંધક બનાવીને ચલાવવામાં આવેલી લૂંટની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ચુનિંદા જવાનો ઘટના બાદ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. બાદમાં તપાસમાં ધ્યાને આવ્યું કે, લૂંટ સમયે ઉપયોગમાં લીધેલી કાર હાઇવે પર બિનવારસી મળી આવી હતી. ઘટના સમયની સીસીટીવી ફૂટેજીસ જોતા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અજય મારવાડી (રહે. આજવા રોડ, વડોદરા) અને રીક્ષા ચાલક રાહુલ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર) શંકાના દાયરામાં આવ્યા હતા.
તે બાદ બંનેની શોધખોળ કરવામાં આવી હતી. તેવામાં ખોડીયારનગર પાંજરાપોળ પાસેથી શંકાસ્પદ રીક્ષા જણાતા તેને ઉભો રાખવા ઇશારો કરવામાં આવ્યો હતો. પરંતુ ચાલકે રીક્ષા પલટાવીને દોડાવી મારી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચને રીક્ષા રોકવામાં સફળતા મળી હતી. ટીમે રીક્ષામાંથી અજય મારવાડી (રહે. આજવા રોડ, વડોદરા) અને રીક્ષા ચાલક રાહુલ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર) ને દબોચી લીધા હતા. બંને પાસેથી છરી, ચાંદીના સિક્કાઓ, અને મોબાઇલ મળી આવ્યા હતા. રીક્ષામાં તપાસ કરતા ડીસમીસ અને વાંદરી પાનું મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે રીક્ષા અને મોબાઇલ અંગે કાગળીયા માંગતા તેઓ આપી શક્યા ન્હતા. ત્યાર બાદ આકરી પુછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા. અને ટીપના આધારે રીઢા શિકલીગર સાથે મળીને કાર ચોરી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમાં જશપાલસિંગ, મલિંદરસિંગ, અજયસિંગ અને આઝાદસિંગ જોડે જઇને લૂંટ ચલાવી હતી. તે પૈકી દાગીના શિકલીકર વેચવા માટે લઇ ગયો હતો.
લૂંટની ટીપ આપનારની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ભૂપેન્દ્ર ઉર્ફે ભોલા પરમાર સુધી પહોંચી હતી. ભોલા લૂંટનો ભોગબનનારને ત્યાં કામ કરતો હતો. શેઠ જોડે દિવાળી બોનસ અંગે માથાકુટ થતા તેણે ટીપ આપી હતી. જો કે, લૂંટમાં મોટી રકમ ના મળવાના કારણે તેને કોઇ રૂપિયા આપવામાં આવ્યા ન્હતા. આ આખીય લૂંટની ટીપ આપવામાં મોટી રકમ મળે તેવી લાલચ આપવામાં આવી હતી. જો કે, જે લૂંટારૂઓએ વિચાર્યું તેવું કંઇ થઇ શક્યું ન્હતું.
આ મામલે અજય રમેશભાઇ મારવાડી (રહે. એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા), રાહુલ પરશોત્તમ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર), હિતેષ તડ઼વી (રહે. કિશનવાડી, વડોદરા), આકાશ કહાર (રહે. કિશનવાડી, વડોદરા) અને ભૂપેન્દ્ર દેવજીભાઇ પરમાર (રહે. કિશનવાડી, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કુલ. રૂ. 2.40 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પૈકી અજય મારવાડી સામે લૂંટ, ઘરફોડ, ચોરી, અપહરણ, દુષ્કર્મનો પ્રયાસ, નકલી પોલીસ જેવા 6 ગુનાઓ નોંધાયા છે.