- સાપ જીવી જશે તેવો રેસ્ક્યૂઅરને વિશ્વાસ આવતા તેણે ત્રણ વખત કાળજીપૂર્વક સાપને સીપીઆર આપવામા આવ્યો હતો
વડોદરા માં મૂર્છિત સાપને સીપીઆર મળતા તેનામાં પ્રાણ ફૂંકાયાની ઘટના સપાટી પર આવી છે. સામાન્ય રીતે માણસોને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવ્યો હોવાની ઘટનાઓથી આપણે પરિચીત છીએ. ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં સાપના રેસ્ક્યૂનો કોલ મળતા જીવદયાપ્રેમી સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં પુખ્તવયનો બિનઝેરી ચેકર્ડ સ્નેક મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો. સાપ જીવી જશે તેવો રેસ્ક્યૂઅરને વિશ્વાસ આવતા તેણે ત્રણ વખત કાળજીપૂર્વક સાપને સીપીઆર આપ્યો હતો. જેમાં ત્રીજા પ્રયત્ને સફળતા મળી હતી. અને સાપમાં સળવળાટ જોવા મળ્યો હતો.
વડોદરામાં ગત મોડી રાત્રે અનોખી ઘટના સામે આવવા પામી છે. સામાન્ય રીતે માણસોને ઇમર્જન્સી સીપીઆર આપીને તેમનો જીવ બચાવવામાં આવતો હોવાની ઘટનાઓ આપણે જાણીએ છીએ. પરંતુ સીપીઆર આપી સાપનો જીવ બચાવ્યો હોવાની જવલ્લે જ બનતી ઘટના તાજેતરમાં સપાટી પર આવવા પામી હતી. જેને લઇને જીવદયાપ્રેમીના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે. ગતરાત્રે શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે એક સાપ અંગેનો રેસ્ક્યૂ કોલ જીવદયાપ્રેમી યશ તડવીને મળ્યો હતો. જે બાદ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બાદની કામગીરી અંગે યશ તડવીએ જણાવ્યું કે, ત્યાં જઇને જોતા સાપ મૂર્છિત હાલતમાં હતો. તેમાં કોઇ હલન-ચલનની હરકત જોવા મળી ન્હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે, સાપ જીવી જશે. જેથી મેં તેની ગરદનને હાથમાં લઇ, તેનું મોઢું ખોલીને થોડાક અંતરથી ફૂંક મારીને તેને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ બે પ્રયાસોમાં સીપીઆર આપ્યા બાદ પણ સાપની અવસ્થામાં કોઇ ફેર પડ્યો ન્હતો. છતાં મારા મનમાં સાપ જીવી જશે તેવી લાગણી મજબુત બનતા ત્રીજી વખત મેં સાપને સીપીઆર આપ્યું હતું. ત્યાર બાદ તેમનામાં સળવળાટ જોવા મળ્યો હતો. અને બાદમાં તેનામાં સામાન્ય હલન-ચલન જોવા મળ્યું હતું.
યશ તડવીએ ઉમેર્યું કે, મેં રેસ્ક્યૂ કરેલો સાપ ચેકર્ડ કિલ બેક પ્રજાતિનો હતો. સામાન્ય રીતે તે પાણીમાં રહેતો સાપ છે, અને બિનઝેરી કેટેગરીમાં આવે છે. હાલમાં વડોદરામાં વરસાદ પડ્યો હોવાથી જળાશયોમાં પાણીના તાપમાનમાં ફેરફાર થતા અથવાતો ખોરાકની શોધમાં સાપ માનવ વસ્તી નજીક આવી ગયો હોવાનું અનુમાન છે. બાદમાં સાપ સ્વસ્થ થતા તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો છે. હું અમે મારી ટીમ વાઘોડિયા વિસ્તારમાં એનિમલ રેસ્ક્યૂની સેવાઓ આપીએ છીએ.