Vadodara

વડોદરા શહેર પોલીસનો ક્રાઈમ રેટ કંટ્રોલ કરવાનો ફોર્મ્યુલા જોઈને ચોંકી જશો!, સબ સલામત પાછળનું રહસ્ય!

Published

on

  • કોઈ પણ ગુન્હો બન્યાની પ્રથમ અરજી લીધા બાદ જરૂરી દસ્તાવેજો ફરિયાદી રજુ કરી દે, તો પોલીસે ગુન્હો નોંધવાની ફરજ બને છે. જોકે પોલીસ ચોરી જેવા પ્રકરણમાં ગુન્હો નોંધતી જ નથી!
  • મોટરસાયકલ માર્ચ મહિનામાં ચોરી થઈ અને પોલીસે ઓકટોબર મહિનામાં ગુન્હો કેમ નોંધ્યો? શું પોલીસનો ડિટેકશન રેટ વધુ દર્શાવી શકાય એટલે?

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે શહેર ભરમાં મોટરસાયકલ ચોરી કરનાર બે વાહનચોરોને ઝડપી પાડીને 14 જેટલી ચોરીની મોટરસાયકલ કબજે લીધી છે. જયારે શહેરના 14 જેટલા વાહનચોરીના ગુન્હાને ડિટેકટ કર્યા છે. આ સમાચાર મળે એટલે એમ થાય કે પોલીસ તંત્ર કેટલું સરસ કામ કરે છે. 14 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલીને પોલીસે વાહનચોરને ઝડપી પાડીને પ્રસંસીનીય કામગીરી કરી છે! જોકે આવા ગુન્હાઓ શોધાય છે તે નિયત સમયે નોંધાતા કેમ નથી?


ક્રાઈમ રેટ નિયંત્રણમાં છે તેમ દર્શાવવા માટે કેટલીક ફરિયાદોને અરજી સ્વરૂપે રાખવામાં આવે છે. જેમાં ઘણી વાર સામાન્ય બોલાચાલી કે મારામારીના કેસમાં પોલીસ મોટા ભાગે સમાધાનની ભૂમિકા અપનાવે છે. કારણ કે આવેશમાં આવીને કરવામાં આવેલા કૃત્ય બાદ સામાન્ય નાગરિકોને કોર્ટ કચેરીના ચક્કર વધી જાય, અને પોલીસનો પણ સમય વ્યર્થ થાય! આવા કિસ્સાઓમાં પોલીસની આ નીતિ કારગર નીવડે છે. જેના કારણે અનેક ઝઘડાઓ સમાધાન પામે છે. પણ જ્યાં નાગરિકોએ પોતાની કીમતી ચીજવસ્તુઓ ગુમાવી દીધી હોય, ત્યાં પોલીસ કેમ અરજીઓ ભેગી કરી રાખે છે?


ઘરફોડ ચોરો અને વાહનચોરી જેવા કિસ્સામાં પોલીસ ફરિયાદીની ફરિયાદના આધારે શું ખરેખર ચોરી થઇ છે કે કેમ? તેની ઉલટ તપાસ કરે છે. અને જો યોગ્ય કારણ મળે તો પોલીસ મેન્યુલ પ્રમાણે ફરિયાદીની પ્રથમ અરજીના આધારે FIR નોંધવાની હોય છે. જોકે વડોદરા પોલીસે ક્રાઈમ રેટને નિયંત્રણમાં રાખવે અને ડિટેકશન રેટને મજબુત બનાવવા વાહનચોરીના ગુન્હામાં પણ સમયસર ફરિયાદ નોંધતી નથી. તેનું ઉદાહરણ આજની ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે ડિટેકટ કરેલા 14 જેટલા મોટરસાયકલ ચોરીના ગુન્હાઓમાં મોટા ભાગની FIR પાછલા એક સપ્તાહમાં નોંધવામાં આવી છે. જેમાં કેટલાક કિસ્સામાં તો માર્ચ મહિનામાં મોટરસાયકલ ચોરી થઇ હોય તો પણ પોલીસ ફરિયાદ 13 ઓક્ટોબર એટલે કે આજે પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી છે.રાવપુરા ગુન્હા નં. 163, ગુન્હો બન્યા તારીખ : 01/08, ગુન્હો નોંધાયાની તારીખ : 06/10 (બે મહિના બાદ)

રાવપુરા ગુન્હા નં. 171, ગુન્હો બન્યા તારીખ : 30/07, ગુન્હો નોંધાયાની તારીખ : 12/10 ( બે મહિના બાદ )

રાવપુરા ગુન્હા નં. 057, ગુન્હો બન્યા તારીખ : 07/03, ગુન્હો નોંધાયાની તારીખ : 17/03 ( દસ દિવસ બાદ)

રાવપુરા ગુન્હા નં. 178 , ગુન્હો બન્યા તારીખ : 01/06, ગુન્હો નોંધાયાની તારીખ : 13/10 ( ચાર મહિના બાદ)

રાવપુરા ગુન્હા નં. 179, ગુન્હો બન્યા તારીખ : 02/08, ગુન્હો નોંધાયાની તારીખ : 13/10 ( બે મહિના બાદ )

રાવપુરા ગુન્હા નં. 177 , ગુન્હો બન્યા તારીખ : 17/03, ગુન્હો નોંધાયાની તારીખ : 13/10 ( સાત મહિના બાદ)

રાવપુરા ગુન્હા નં. 180, ગુન્હો બન્યા તારીખ : 27/06, ગુન્હો નોંધાયાની તારીખ : 13/10 ( ચાર મહિના બાદ)


માર્ચ મહિનામાં વાહન ચોરી થાય તો તેની ફરિયાદ છેક ઓક્ટોબરમાં નોંધાય તો ફરિયાદીએ પોલીસ સ્ટેશનના કેટલા ધક્કા ખાવા પડ્યા હશે? એવો વિચાર આવે. પણ અહિયાં પોલીસ દ્વારા કેટલાક કિસ્સામાં ફરિયાદીને સમજાવવામાં આવે છે કે, તમારી મોટરસાયકલ મામલે FIR થઇ ગઈ તો, વાહનને કોર્ટ માંથી છોડાવવું પડશે. અને તેની માટે મુશ્કેલી વધી જશે. જો અરજી સ્વરૂપે તપાસમાં વાહન મળી જાય તો પોલીસ સ્ટેશનથી જ આપી દેવામાં આવશે.


આવા વચનો આપીને ફરિયાદીને પાકી ફરિયાદ કરતા અટકાવી દેવામાં આવે છે. કેટલાક ફરિયાદીઓ જીદ કરે તો તાત્કાલિક FIR પણ નોંધવી પડે છે. જયારે આજે પકડાયેલી 14 મોટરસાયકલ માંથી 6 કિસ્સા એવા છે કે, જ્યાં ત્રણ મહિના પહેલા મોટરસાયકલ ચોરીની ઘટના બની હતી જેની ફરિયાદ પાછલા એક સપ્તાહમાં નોંધાઈ છે. એક ફરિયાદમાં 17 માર્ચના રોજ ચોરાયેલ મોટરસાયકલની ફરિયાદ 23 એપ્રિલ એટલે કે એક મહિના બાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ બુક જોતા એમ લાગે કે, શહેરમાં ગુન્હાઓ ઓછા થયા છે.પણ હકીકતમાં જોતા જાણવા મળે કે જે ગુન્હાઓ આચરવામાં આવે છે તે બધા જ ગુન્હાઓ પોલીસ ચોપડા સુધી પહોચતા જ નથી. જેના કારણે સબ સલામતનું ચિત્ર તૈયાર કરવામાં સરળતા રહે છે.

Trending

Exit mobile version