વડોદરા: વડોદરાના કમાટીબાગ (સયાજીબાગ) – કલ્યાણનગર ખાતે આકાર પામી રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર “સંકલ્પભૂમિ સ્મારક” પ્રોજેક્ટની કામગીરી હવે આખરી તબક્કામાં પહોંચી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા ખાતે આવીને આ સ્મારકની સ્થળ મુલાકાત લીધી હતી અને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
ઐતિહાસિક સ્મારક અને પ્રોજેક્ટની વિશેષતાઓ:
ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સમરસતા લાવવા માટે કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો, તેને યાદગાર બનાવવા રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં રજૂ થયેલી વિગતો મુજબ, સ્મારક ખાતે ફેઝ-૨ અંતર્ગત મ્યુઝિયમ ડિઝાઈન, ક્યુરેશન, સ્ટેચ્યુ, ઈન્ટીરીયર અને ફર્નિચરનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વોલ મ્યુરલ્સ, મેનિકવિન્સ અને હાયપર રીઅલીસ્ટિક સેટનું ફાઇનલ પ્લેસિંગ થઈ ગયું છે, જ્યારે ઓડિટોરિયમમાં એકાઉસ્ટિક પેનલિંગ અને એનિમેટ્રોનિક્સ ઇન્સ્ટોલેશન પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે.
ડિજિટલ અનુભવ અને અન્ય સુવિધાઓ:
મુલાકાતીઓ માટે ડિજિટલ અને મલ્ટીમીડિયા અનુભવ પૂરો પાડવા ટીવી પ્રોગ્રામિંગ, લાઈટિંગ, ઓડિયો ગાઈડ, ક્યુ.આર. સ્કેનર અને મોબાઈલ એપ્લિકેશનનું કામ ઝડપથી પ્રગતિ હેઠળ છે. સ્મારકના કેન્દ્રસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમાનું પ્લેસમેન્ટ અને પ્લેટફોર્મ ફિનિશિંગનું કાર્ય પણ પૂરું કરી દેવાયું છે. પ્રવાસીઓની સગવડ માટે કમાટીબાગ ખાતે રૂ. ૩૬ લાખના ખર્ચે સુશોભન અને પ્લેટફોર્મ માટે મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત, કેફેટેરિયાનું સંચાલન ‘મૈત્રી સખી મંડળ’ને સોંપવા અને એજન્સી દ્વારા કર્મચારીઓને તાલીમ આપવા સૂચના અપાઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ તમામ કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક નિર્દેશો આપ્યા છે. આ બેઠકમાં રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, સચિવ હર્ષદ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેકટર ડો. અનિલ ધામેલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.