- ચાર વર્ષ પૂર્વે હરાજીથી મેળવેલી જમીન આજે જૂના ભાવમાં ખરીદવા માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પર રાજકીય દબાણ લાવવામાં આવ્યું હોવાની ચર્ચા
- સામાન્ય નાગરિક એક વર્ષ વેરો ન ભરે તો વ્યાજ સહિત રકમ વસુલતી પાલિકા કુલડીમાં ગોળ ભાંગશે?
- ચાર વર્ષ જૂની કિંમતે જમીન પધરાવી દેવાય તો પાલિકાને કરોડોનું નુકશાન થશે.
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કરોડોની જમીન હવે જૂના ભાવે લેવા વાઘોડિયાના ભાજપના ધારાસભ્યએ પાલિકાની ચુંટાયેલી પાંખ પર દબાણ ઊભું કરતા ચાર વર્ષ પછી જુના ભાવે જમીન મેળવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે જિલ્લાના ધારાસભ્યને સેરેન્ડર થઈ ગયેલ પાલિકાના પદાધિકારીઓ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં શું નિર્ણય લે છે ? તે મહત્વનું છે. આ સાથે સમગ્ર દરખાસ્ત પર કોંગ્રેસનું પગલું પણ આ તબક્કે અતિ મહત્વનું બની રહેશે.
તારીખ 3 નવેમ્બર 2020ના રોજ જાહેર હરાજીથી માંજલપુર સ્થિત ટીપી સ્કીમ નંબર 19માં આવેલ એક ફાઇનલ પ્લોટની મિનિમમ અપસેટ વેલ્યુ કોર્પોરેશને રૂપિયા 31,500 ચોરસ ફુટ રાખી હતી. જાહેર હરાજીથી આ પ્લોટ ₹31,600ના ભાવે રેડ ઓર્ગેનાઇઝ, જે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની છે, તેઓએ મેળવી હતી. જે પછી પ્લોટની વેચાણ કિંમતની રકમ તારીખ 17 મે 2021 સુધી ભરવાની હતી પરંતુ શરત મુજબ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કંપની રેડ ઓર્ગેનાઇઝ કિંમતની 10% રકમ 20 દિવસમાં ભરી ન હતી. પરંતુ પાછળથી કંપનીએ જગ્યાના સ્થળ પર વાંધો ઉઠાવ્યો હતો. સાથે ડિપોઝિટ પેટે કોર્પોરેશનને આપેલા રૂપિયા 10 લાખ પરત કરવાની માંગણી કરી હતી. પરંતુ કોર્પોરેશને નિયમ મુજબ ડિપોઝિટની રકમ જપ્ત કરવાનું નિર્ણય લીધો હતો.
હવે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચાર વર્ષ પછી જુના ભાવે જ આ પ્લોટ વેચાતો લેવાની તૈયારી બતાવી છે. જેથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ અંગેની ભલામણ સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી છે. ત્યારે હવે આજે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં સમગ્ર કામ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જો સામાન્ય નાગરિકે સમય મર્યાદામાં હરાજી અંગેની પ્રક્રિયા આટોપી ન હોય તો તેની ડિપોઝિટની રકમ જમા થઈ જતી હોય છે. ત્યારે વર્ષ 2021માં થયેલ જાહેર હરાજીનું કામ ચાર વર્ષ પછી 2025માં રજુ કરવામાં આવ્યું છે અને હવે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જૂની કિંમત મુજબ જમીન ખરીદવાની તૈયારી બતાવી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં રાજકીય દબાણને વશ થઈ સ્થાયી સમિતિના સભ્યો શું નિર્ણય લે છે? તેના પર સૌ શહેરીજનોની નજર મંડાયેલી છે.
લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે, શું વાઘોડિયાના ધારાસભ્ય તરીકે અગાઉ અપક્ષ તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જો ભાજપમાં આવ્યા ન હોત તો તેઓના માટે આવી દરખાસ્ત કોર્પોરેશનમાં ફરીથી આવી શકત ? શું ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી પોતાની મિલકતો સુરક્ષિત કરવા ભાજપમાં જોડાયા છે? આવી અનેક ચર્ચાઓ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સાથે નગરજનોમાં પણ ચર્ચા રહી છે.
વાઘોડિયાના ધારાસભ્યને કોર્પોરેશનની જમીન જૂની કિંમતથી હવે જોઈએ છે. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસે અત્યાર સુધી કોઈ નિવેદન જાહેર કરી આ મામલે હજુ વિરોધ નોંધાવ્યો નથી. હકીકતમાં કોંગ્રેસે આ મુદ્દે વિરોધ નોંધાવી પ્રજા સમક્ષ આ મુદ્દો લઈ જવો જોઈએ અને જરૂર લાગે તો કોર્ટમાં જવાની પણ કાર્યવાહી કરવી જોઈએ. અત્રે એ બાબત પણ નોંધનીય છે કે, પાલિકામાં થતા અનેક કામ અંગે કોંગ્રેસ દ્વારા છાશવારે વિરોધ થતો હોય છે અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના પ્રકરણમાં કોંગ્રેસના સભ્ય પાછળથી પાણીમાં બેસી જાય છે અને કોર્ટ કાર્યવાહી કરતા નથી.
કોર્પોરેશનને આ વર્ષે બજેટમાં પોતાના પ્લોટ જાહેર હરાજીથી વેચી આવક મેળવવાનું નક્કી કર્યું છે. પરંતુ જો આવી જ રીતે, વર્તમાન દિવસોમાં મિલકત ચાર વર્ષ અગાઉના જુના ભાવે કોઈ વ્યક્તિને કે કંપનીને આપી દેવામાં આવે તો તેનાથી કોર્પોરેશનને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આ સાથે જાહેર હરાજીથી કોર્પોરેશનના પ્લોટ વેચવાના લક્ષ્યાંકને પણ તેની અસર થઈ શકે છે. આ બાબત વિકાસના કામોને પણ અસર કરશે. એક તરફ કોર્પોરેશન બજેટમાં આડેધડ રીતે લાગતો વધારી રહી છે પરંતુ પોતાના હકના પૈસા મેળવવા નથી અને તે જતા કરવા છે તે બાબત કેટલી યોગ્ય છે?