રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાની સાથે જ ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. હજી તો ચુંટણી જાહેર નથી થઈ ત્યાં તો ચુંટણીના મધ્યસ્થ કાર્યાલય શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે વડોદરા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કરેલીબાગ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, નગરસેવકો સહીત સંગઠનના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા.
લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. પહેલી ફેબ્રુઆરીએ લોકસભામાં યુનિયન બજેટ રજુ કરવામાં આવશે અને બજેટ સત્ર પૂર્ણ થાય ત્યાં તો ચુંટણીની જાહેરાત થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. ફેબ્રુઆરી મધ્યમાં તબ્બકાવાર લોકસભા ચુંટણીની જાહેરાતની શક્યતાઓ વચ્ચે ભાજપે ચુંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. હજીતો ગત રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વની પુર્ણાહુતી થઈ છે. ત્યાં તો રામમંદિર નિર્માણના પ્રચારનો બહોળો ફાયદો મેળવી શકાય માટે ભાજપે કમર કસી લીધી છે.
આજે વડોદરા લોકસભાના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા,લોકસભા સીટના પ્રભારી ભરતસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા. કારેલીબાગ જલારામ મંદિર રોડ પર જુના ગુજરાત સમાચાર પ્રેસ સામે ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યો, વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, નગરસેવકો, જીલ્લા સંગઠન સહીત શક્તિકેન્દ્રોના હોદ્દેદારો અને જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા. જ્યાં ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજાએ તમામ કાર્યકરોને ચુંટણી માટે કમર કસી લેવા માટે આહ્વાન કર્યું હતું.