એક તરફ સરકાર ખેડૂતોને જગતનો તાત કહીને નવાજતી હોય છે, પરંતુ બીજી તરફ સરકારી તંત્રની આળસ ખેડૂતોને પાયમાલ કરી રહી છે. વડોદરાના ડભોઇમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડભોઇ-સુલતાનપુરા પાલિખા કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ખેડૂતોનો તૈયાર થયેલો રવિ પાક સુકાઈ રહ્યો છે. વારંવારની રજૂઆત છતાં નર્મદા નિગમનું તંત્ર મૌન સેવીને બેઠું છે.
🧐તંત્રની બેદરકારી અને ખેડૂતોનો આક્રોશ:
ડભોઇ તાલુકાના સુલતાનપુરા વિસ્તારમાંથી પસાર થતી પાલિખા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક હવે તૈયાર થવાને આરે છે ત્યારે જ કેનાલમાં પડેલા આ ગાબડાના કારણે પાણી ખેતર સુધી પહોંચવાને બદલે વેડફાઈ રહ્યું છે.
👉રજૂઆતો ઠેરની ઠેર:
ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓએ આ બાબતે નર્મદા નિગમને અનેકવાર મૌખિક અને લેખિતમાં જાણ કરી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. ખેડૂતોની આ વેદના સાંભળવા માટે કોઈ અધિકારી ડોકાતા પણ નથી, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
📍2000 એકર જમીન પર સંકટ:
અસરગ્રસ્ત વિસ્તાર: અંદાજે 2000 એકર જમીન.
મુખ્ય સમસ્યા: કેનાલના ગાબડાને કારણે પાણી ખેતર સુધી નથી પહોંચી રહ્યું.
પાકને નુકસાન: પાણી ન મળતા ઉભો રવિ પાક સુકાઈ રહ્યો છે.
🫵ખેડૂતોની માંગ:
જો સત્વરે આ ગાબડાનું સમારકામ કરવામાં નહીં આવે, તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે. દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતો હવે તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે.
(ખેડૂત પ્રતિનિધિ)
“અમે વારંવાર નર્મદા નિગમમાં લેખિત અરજીઓ આપી છે, પણ કોઈ આવતું નથી. અમારો પાક સુકાઈ રહ્યો છે, જો પાણી નહીં મળે તો અમે પાયમાલ થઈ જઈશું. 4 ગામડા સુધી આ પાણી પહોંચવાનું બંધ છે.તંત્રને અમારી કોઈ પડી જ નથી!”
હવે જોવાનું એ રહેશે કે મીડિયામાં સમાચાર આવ્યા બાદ શું આ કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું તંત્ર જાગશે? શું ખેડૂતોના તૈયાર થયેલા પાકને બચાવવા માટે કેનાલનું સમારકામ થશે ખરું?