સ્માર્ટ સિટી વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે. આજવા રોડ પર આવેલા દત્તનગરના રહીશો છેલ્લા 10 દિવસથી ટીપાં-ટીપાં પાણી માટે તરસતા હોવાથી આજે તેમનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા મહિલાઓએ રસ્તા પર માટલા ફોડી ‘પાણી આપો’ના નારા લગાવ્યા હતા અને સ્થાનિક નગરસેવકોની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
- 10 દિવસથી જનતા પરેશાન:
આજવા રોડ પર આવેલ દત્તનગર વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી પાણી પુરવઠો ખોરવાયો છે. પીવાનું પાણી ન મળવાને કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં ન આવતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.
- નગરસેવકોના ‘ફોન નોટ રીચેબલ’:
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યા અંગે વિસ્તારના નગરસેવકોને અનેકવાર જાણ કરવામાં આવી છે, પરંતુ તેઓ કોઈ નક્કર જવાબ આપતા નથી. એટલું જ નહીં, કેટલાક કાઉન્સિલરો તો જનતાના ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી, જેને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
- ટેન્કર રાજ અને પાડોશીઓ વચ્ચે ઝઘડા:
તંત્ર દ્વારા નામ પૂરતા માત્ર બે ટેન્કરો મોકલવામાં આવે છે. સેંકડો પરિવારો વચ્ચે માત્ર બે ટેન્કર હોવાથી પાણી ભરવા માટે રહીશો વચ્ચે અંદરો અંદર ઘર્ષણ થઈ રહ્યું છે. રહીશોએ દુઃખ સાથે જણાવ્યું કે, “તંત્રના પાપે આજે પાણી માટે પાડોશીઓ વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે.”
- મહિલાઓનો રણચંડી અવતાર:
આજે દત્તનગરની મહિલાઓએ એકત્ર થઈને તંત્રની ઘોર નિદ્રા ઉડાડવા માટે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનું કાયમી નિવારણ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
🫵એક તરફ વડોદરા કોર્પોરેશન વિકાસના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભરશિયાળે પાણી માટે જનતાએ વલખાં મારવા પડી રહ્યા છે તે કડવી વાસ્તવિકતા છે.