વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં કમલાનગર સોસાયટીના યુવક ધર્મેશ પરમારએ આત્મહત્યા કરી.
- ધર્મેશે સંયુક્ત માલિકીની જમીન 58 લાખ રૂપિયામાં ટ્વિંકલભાઈ ઉર્ફે ટીકાભાઈ ઠાકોર સાથે વેચાવાના સોદા કર્યા હતા.
- ટ્વિંકલભાઈએ સોદો કેન્સલ ન કરતાં અને વધુ 5 લાખ રૂપિયાની માંગણી કરતાં ધર્મેશ પર દબાણ વધ્યું.
- ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી, જેમાં જમીન સોદા અને દબાણનો ઉલ્લેખ હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારની કમલાનગર સોસાયટીમાં રહેતા યુવકે જમીન સોદાને લઇ દબાણમાં આવી આત્મહત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.માહિતી મુજબ, કમલાનગર સોસાયટીમાં રહેતા ધર્મેશ પરમારના પિતાનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું.
ગુરુકુલ સ્કૂલ પાછળ, વાઘોડિયા ગામ સીમમાં આવેલી તેમની સંયુક્ત માલિકીની જમીન વેચાણ માટે ધર્મેશે તમામ ખાતેદારો વતી ટ્વિંકલભાઈ ઉર્ફે ટીકાભાઈ ઠાકોર (રહે. વિષ્ણુધામ સોસાયટી, ડભોઈ — હાલ વડોદરા) સાથે 58 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. આ સોદાની પાવતી 3 જુલાઈએ લખાઈ હતી અને તેની નોટરી 31 જુલાઈએ કરવામાં આવી હતી.
પછી ધર્મેશ અને તેના કાકા હરીશભાઈને ખબર પડી કે ટ્વિંકલભાઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી. તેથી બંનેએ સોદો કેન્સલ કરવાની માંગ કરી, પરંતુ ટ્વિંકલભાઈએ સોદો રદ ન કરતાં તેમણે દાદાગીરીપૂર્વક વધુ 5 લાખ રૂપિયાની માંગણી કરી. સતત ત્રાસ અને દબાણથી કંટાળી ધર્મેશે ઘરના પ્રથમ માળે આવેલા રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સવારે ધર્મેશની માતા તેને ઉઠાડવા ગઈ ત્યારે ફાંસો ખાધેલ હાલતમાં તેને જોઈ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થયા અને વાઘોડિયા પોલીસને જાણ કરી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે ટ્વિંકલભાઈ ઠાકોર સામે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.