વડોદરાના અડધો ડઝન ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાના કામે લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ઘટનામાં મોટું નુકશાન પહોંચ્યું છે.
- વડોદરાના વાઘોડિયામાં આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગ
- ત્રણ કલાકથી વધુ સમયથી ફાયર ફાયટરોએ મોરચો સંભાળ્યો
- આગમાં કંપનીનું મોટા ભાગનું રો મટિરિયલ બળીને ખાખ
વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી Dynamic Inks And Coating કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં રાખેલુ મટીરીયલ આગની ચપેટમાં આવી ગયું છે. તે પૈકીનું કેટલુંક મટિરિયલ જ્વલનશીલ હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિતેલા ત્રણ કલાકથી પણ વધુ સમયથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જોઇએ તેવી સફળતા મળી શકી નથી. આ આગમાં કંપનીને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબુ મેળવી લીધા બાદ નુકશાનીની ગણતરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયા જીઆઇડીસીમાં Dynamic Inks And Coating નામની ખાનગી કંપની આવેલી છે. સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી કંપનીમાં આજે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. અને વિતેલા ત્રણ કલાકથી વધુ સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કંપની કલરનું મટિરિયલ બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીમાં રાખેલા મુદ્દામાલ પૈેકી કેટલોક જ્વલનશીલ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું અનુમાન છે.
કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોઇ શકાય છે, તેને પગલે આગની વિકરાળતાનો અંદાજો લગાડી શકાય છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં અડધો ડઝન ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાના કામે લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગમાં કંપનીનું મોટા ભાગનું રો મટિરિયલ સ્વાહા થિઇ ગયું હોવાનું અનુમાન છે. જેની કિંમત કરોડોમાં હોવાનું પ્રાથમિક તબક્કે સુત્રો જણાવી રહ્યા છે.