Vadodara

મેરેથોન પૂર્વે વડોદરાની આબરૂ જોખમમાં! કરોડોનો ખર્ચ પણ રસ્તામાં ભ્રષ્ટાચારની ગંધ?

Published

on

  • 1 ફેબ્રુઆરીએ હજારો દોડવીરો અહીંથી પસાર થશે, પણ તંત્ર નિદ્રાધીન.
  • તકલાદી મટીરીયલથી પુરાણ કરી સંતોષ મનાયો; સ્થાનિકોમાં રોષ.
  • વોર્ડ 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરના તંત્ર પર આકરા પ્રહાર.

વડોદરા શહેર જેને આપણે ‘સંસ્કારી નગરી’ કહીએ છીએ, તે અત્યારે ‘ભુવા નગરી’ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આગામી 1 ફેબ્રુઆરીએ જ્યારે આખું વડોદરા મેરેથોનમાં દોડવા માટે થનગની રહ્યું છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.

🌉બ્રિજ પરનો ભુવો અને ટ્રાફિક

મુજમહુડા થી લાલબાગ તરફ જતા વિશ્વામિત્રી બ્રિજ પર એક મોટો ભુવો પડ્યો છે. આ એ જ રોડ છે જ્યાંથી મેરેથોનનો મુખ્ય રૂટ પસાર થવાનો છે. લાખોના ખર્ચે યોજાતી આંતરરાષ્ટ્રીય મેરેથોન પહેલા રસ્તાઓની આવી હાલત જોઈને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

🧐તંત્રની ‘તકલાદી’ કામગીરી:

સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા આ ભુવા પાસે માત્ર નામ પૂરતું તકલાદી મટીરીયલ નાખીને પુરાણ કરવામાં આવ્યું છે. સવાલ એ છે કે શું આ સામાન્ય પુરાણ હજારો દોડવીરોના વજન અને વાહનોના ભારને સહન કરી શકશે? જો મેરેથોન દરમિયાન અહીં કોઈ અકસ્માત થાય, તો તેનો જવાબદાર કોણ?

🫵વિપક્ષનો આક્રોશ:

વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર આ મામલે મેદાનમાં આવ્યા છે. તેમણે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, “તંત્ર ક્યારે સુધરશે? વોર્ડ 12 ના રહીશોને આ ભુવાઓમાંથી ક્યારે મુક્તિ મળશે? મેરેથોન જેવા મોટા આયોજન વખતે પણ જો માત્ર પુરાણ કરીને કામ પતાવવામાં આવતું હોય, તો આનાથી મોટી બેદરકારી બીજી કઈ હોઈ શકે?”

👉એક તરફ વડોદરા મેરેથોન માટે 1 લાખથી વધુ રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે અને શહેરને ગ્લોબલ મેપ પર લાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધાઓમાં આ પ્રકારની લાલિયાવાડી શહેરીજનો માટે ચિંતાનો વિષય છે. શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મેરેથોન પહેલા આ રોડનું યોગ્ય સમારકામ કરશે કે પછી માત્ર ‘પેચવર્ક’ કરીને સંતોષ માનશે?

Trending

Exit mobile version