- વહેલી સવારનો ગાંભીર ગુનો ડીટેક્ટ: નૂતન મહેશ્વર સોસાયટી પાસે પેટ ડોગ સાથે ચાલવા નીકળેલા મહિલા બન્યા હતા ચેઈન સ્નેચિંગનો ભોગ.
- સરનામું પૂછવાના બહાને ખેલ પાડ્યો: અમદાવાદથી વડોદરા આવી ભાડેથી એક્ટિવા મેળવી તસ્કરે આચરી હતી લૂંટ.
- અમિતનગર સર્કલ પાસેથી દબોચ્યો: પાણીની ટાંકી વાળા રોડ પર આનંદનગર ગ્રાઉન્ડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપી તુષાર ઉર્ફે કાવાને ઝડપ્યો.
- ટૂટેલી સોનાની ચેઈન અને મોબાઈલ રિકવર: સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ.
વડોદરા શહેરમાં સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળતા નાગરિકો, ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ જેવા ગંભીર ગુના આચરતા તત્વોને સત્વરે શોધી કાઢવા માટે માનનીય ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમો સતત કાર્યરત અને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં સુભાનપુરા ખાતે બનેલા ચેઈન સ્નેચિંગના ગંભીર અને અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના એક શાતિર આરોપીને સોનાની ચેઈન સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
🧐સરનામું પૂછવાના બહાને આંચકી હતી ચેઈન:
ઘટનાની વિગત એવી છે કે, ગત તા. 19/05/2026 ના રોજ વહેલી સવારના સમયે સુભાનપુરા વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના પેટ ડોગ (પાલતુ શ્વાન) ને લઈને એકલા ચાલવા માટે નીકળ્યા હતા. સવારના આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે તેઓ નૂતન મહેશ્વર સોસાયટી, પામ એક્ઝોટિકા પાસે એક કોમન પ્લોટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે એક અજાણ્યો એક્ટિવા ચાલક તેમની નજીક આવ્યો હતો અને સરનામું પૂછવાના બહાને મહિલાને વાતોમાં પરોવી હતી. તકનો લાભ લઈને આ અજાણ્યા શખ્સે મહિલાના ગળામાં પહેરેલ આશરે એક તોલા વજનની સોનાની ચેઈન પેંડલ સાથે આંચકી (ઝંટવી) લીધી હતી અને એક્ટિવા પર ફરાર થઈ ગયો હતો. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 304(2) અન્વયે ચેઇન સ્નેચીંગનો ગુનો નોંધાયો હતો.
🎥સીસીટીવી અને હ્યુમન સોર્સથી મળ્યો સગડ:
ગુનો બન્યાની જાણ થતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ સક્રિય કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમિતનગરથી પાણીની ટાંકી વાળા રોડ ઉપર આવેલા આનંદનગર ગ્રાઉન્ડ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો.
🚨અમદાવાદથી આવી ભાડાની એક્ટિવા પર લૂંટ ચલાવી:
પોલીસે પકડેલા ઇસમની જડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની એક તૂટેલી ચેઈન તથા એક સેમસંગ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સોનાની ચેઈનની માલિકી અંગે કોઈ આધાર-પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે, તે તા. 19/05/2026 ના રોજ અમદાવાદથી વડોદરા આવ્યો હતો અને વડોદરાથી વહેલી સવારે એક એક્ટિવા ભાડે મેળવ્યું હતું. આ ભાડાના એક્ટિવાનો ઉપયોગ કરી તેણે સુભાનપુરામાં ડોગ વોકિંગ માટે નીકળેલા મહિલાને ટાર્ગેટ કર્યા હતા અને સરનામું પૂછવાના બહાને ચેઈન તોડી નાસી છૂટ્યો હતો. ગુનો આચર્યા બાદ તેણે ભાડે લીધેલું એક્ટિવા પરત જમા કરાવી દીધું હતું.
👉ઝડપાયેલા આરોપીનું નામ અને સરનામું:
- તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઇ પરમાર (ઉં.વ. 26, રહે. મકરબા પોલીસ લાઇન, સરખેજ રોડ, અમદાવાદ શહેર; મૂળ ગામ: ભાણપુર, તા. ધાનપુર, જી. દાહોદ).
🚨કબજે કરાયેલો મુદ્દામાલ:
1. એક તૂટેલી સોનાની ચેઈન — કિંમત ₹1,18,400/-
2. એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન — કિંમત ₹5,000/-
- તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા: 1,23,400/-
👮ક્રાઈમ બ્રાન્ચે આ સોનાની ચેઈન અને મોબાઈલ ફોનને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 203 ની કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કર્યા છે. આ સફળ કામગીરીથી ગોરવા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થયો હોવાથી, પકડાયેલા આરોપીનો કબજો આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.