ટ્યુશન સંચાલકો આક્રોશમાં:બરોડા એકેડમિક એસોસિએશન અને વડોદરા એકેડમી ફેડરેશન ઓફ ગુજરાતના બેનર હેઠળ મોટી સંખ્યામાં સંચાલકો એકત્ર થયા.
ટ્યુશન એક્ટ 2002નો સરેઆમ ભંગ:સ્કૂલ કેમ્પસની અંદર કે બહાર કોઈ પણ કર્મચારી ટ્યુશન ન કરાવી શકે, છતાં ‘ઇન્ટિગ્રેટેડ સ્કૂલ’ના નામે ચાલે છે કરોડોનો વેપલો.
વાલીઓ પર આર્થિક બોજ:FRC (ફી રેગ્યુલેટરી કમિટી)ના નિયમોને નેવે મૂકીને ખાનગી શાળાઓ કોન્સેપ્ટ ક્લાસિસના નામે ઉઘરાવી રહી છે લાખોની વધારાની ફી.
સખત પગલાંની માંગ:નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરને સુપ્રત કરાયું આવેદનપત્ર.
વડોદરા શહેરમાં શૈક્ષણિક નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતા કોન્સેપ્ટ પ્રોગ્રામ અને ડમી સ્કૂલોના દૂષણ સામે શહેરના તમામ ટ્યુશન ક્લાસના સંચાલકોએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. બરોડા એકેડમિક એસોસિએશન અને વડોદરા એકેડમી ફેડરેશન ઓફ ગુજરાતના સંયુક્ત બેનર હેઠળ મોટી સંખ્યામાં ટ્યુશન સંચાલકો અને શિક્ષકો એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિશાળ મહારેલી સ્વરૂપે પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
🧐સરકારી પરિપત્ર અને ટ્યુશન એક્ટનો ભંગ:
બરોડા એકેડમિક એસોસિએશનના અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના અધિકૃત પરિપત્રો અને ‘ટ્યુશન અધિનિયમ એક્ટ 2002’ ના કાયદાનો ખાનગી શાળાઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાની જોગવાઈ મુજબ, શાળાના કેમ્પસની અંદર કે બહાર સ્કૂલનો કોઈ પણ કર્મચારી કે શિક્ષક આર્થિક લાભ મેળવીને અથવા વગર પૈસાએ કોઈ પણ પ્રકારનું ખાનગી ટ્યુશન કરાવી શકે નહીં. આમ છતાં, વડોદરાની અનેક ખાનગી શાળાઓ ‘કોન્સેપ્ટ સ્કૂલ’ અને ‘ઇન્ટિગ્રેટેડ સ્કૂલ પ્રોગ્રામ’ જેવા આકર્ષક બેનરો લગાવીને ગેરકાયદેસર રીતે સ્કૂલ સમય દરમિયાન જ ટ્યુશન ક્લાસિસ ધમધમાવી રહી છે.
🤨વાલીઓની લૂંટ અને મધ્યમ વર્ગ પર બોજ:
આંદોલનકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ખાનગી શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા નક્કી કરાયેલી નિયમિત ફી ઉપરાંત, આ કોન્સેપ્ટ અને ઇન્ટિગ્રેટેડ ક્લાસિસના નામે વાલીઓ પાસેથી લાખો રૂપિયાની વધારાની ફી વસૂલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે મધ્યમ વર્ગના વાલીઓ પર અસહ્ય આર્થિક બોજ આવી રહ્યો છે. બીજી તરફ, આવી ડમી અને ઇન્ટિગ્રેટેડ શાળાઓના માયાવી જાળના કારણે પ્રામાણિકતાથી વ્યવસાય કરતા સામાન્ય ટ્યુશન સંચાલકોની રોજીરોટી પર માઠી અસર પડી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થઈ રહ્યો છે.
🗣️કલેક્ટર સમક્ષ કડક કાર્યવાહીની માંગ:
હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ટ્યુશન સંચાલકોએ માંગ કરી છે કે, શિક્ષણ વિભાગના નીતિ-નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી આવી તમામ ખાનગી શાળાઓ સામે તંત્ર તાત્કાલિક જાગે અને તપાસ સમિતિ નીમીને સખતમાં સખત શિક્ષાત્મક પગલાં ભરે. જો આ ગેરકાયદેસર ડમી અને કોન્સેપ્ટ ક્લાસિસ બંધ કરાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ટ્યુશન એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.