જનતાનો સવાલ: શું સામાન્ય દિવસોમાં જનતાને ગંદકી અને ટ્રાફિકમાં રહેવાનો હક છે?
કહેવાય છે કે ‘મહેમાન ગતિ’ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે, પણ વડોદરામાં જ્યારે કોઈ રાજકીય મહેમાન આવવાના હોય, ત્યારે તંત્ર જે રીતે સફાળું જાગે છે તે જોઈને લાગે છે કે તંત્રને જનતાની સુવિધા કરતાં સાહેબની ‘ગુડ બુક’માં રહેવામાં વધુ રસ છે.
વડોદરામાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે માર્કેટ વિસ્તારના દ્રશ્યો બદલાયેલા જોવા મળ્યા. જે રસ્તાઓ પર વર્ષોથી ગેરકાયદે દબાણોનો અડીંગો હતો અને જ્યાં ગંદકીના ગંજ ખડકાયેલા રહેતા હતા, ત્યાં આજે અચાનક જેસીબીના પંજા ફરતા થયા છે. રસ્તાઓ પર દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને ડસ્ટબિન પણ ચમકી રહ્યા છે.
સ્થાનિકોમાં આ બાબતે ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, “શું તંત્રને સફાઈ અને દબાણ માત્ર મોટા નેતાઓના આગમન સમયે જ યાદ આવે છે? શું સામાન્ય નાગરિકોને ટ્રાફિકમુક્ત રસ્તાઓ અને સ્વચ્છ વાતાવરણ મેળવવાનો કોઈ અધિકાર નથી?”
સ્થાનિક લોકો કટાક્ષ કરી રહ્યા છે કે, “જો દર અઠવાડિયે કોઈ મંત્રી વડોદરાની મુલાકાત લે, તો જ કદાચ શહેર કાયમી ધોરણે સ્વચ્છ રહેશે.” તંત્રની આ ‘દેખાવ પૂરતી’ કામગીરી સામે હવે સામાન્ય જનતા સવાલ ઉઠાવી રહી છે કે આ ઉત્સાહ મહેમાન ગયા પછી કેટલા દિવસ ટકશે?
મુખ્યમંત્રીના આગમન માટે રસ્તાઓ તો ચકાચક થઈ ગયા, પણ શું તંત્ર જનતાની કાયમી હાડમારી દૂર કરવા ક્યારેય આટલી ગંભીરતા દાખવશે? તે જોવાનું રહ્યું.