Savli

સાવલી તાલુકામાં “જંગલ રાજ”ના કેટલા ઉદાહરણ જોઈશે? અહીં તો ગામે ગામ કાગડા કાળા છે!

Published

on

સાવલી તાલુકાના વિટોજ ગામે રેતી ખનન સામે ગ્રામજનોએ બાયો ચઢાવ્યા બાદ નદી કાંઠાના ગામોમાં ચાલતા જંગલરાજ ની પોલ ખુલી જવા પામી છે. કોઈ અદ્રશ્ય શક્તિ જાણે ઈમાનદારીથી ખનીજ ચોરોને છત્રછાયા પૂરી પાડતી હોય તેવું લાગી રહ્યું છે. સાવલીના વિટોજ બાદ ડેસરના છાલીયેર ગામેથી પણ રેતી અને માટી ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે. જ્યાં એક નનામા પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આવા ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવાની શક્તિ મામલતદારમાં પણ ન હોય તેમ ઉડાઉ જવાબો મળી રહ્યા છે.

જંગલ રાજ જોવું હોય તો ક્યારેક સાવલી તાલુકાના નદી કિનારાના ગામોમાં જવું પડે, જ્યાં સુવર્ણ જડિત સત્તાના સિંહાસનોની નીચે ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ માફિયાઓ પ્રકૃતિનું કેવું શોષણ કરે છે તે નજરે જોઈ શકાશે. ભલેને ભાદરવા ગામેથી વડોદરા જિલ્લાને જીલ્લા પંચાયત પ્રમુખ મળ્યા હોય.. છતાંય એવો એક પણ ગામમાં નદી કાંઠો નહિ મળે જ્યાં માતા સ્વરૂપે પૂજાતી મહીસાગર નદીને રાત દિવસ ખોતરી ખાતા તત્વોનું સામ્રાજ્ય ન હોય ..
મહીસાગર નદીમાં ભળતી મેસરી નદીને પણ ખનીજ માફિયાઓએ છોડી નથી. ડેસર તાલુકાના છાલીયેર ગામની વેદના એક પત્રમાં વાયરલ થવા પામી છે. પત્ર લખનારને પોતાનું નામ લખવું પણ યોગ્ય લાગતું નથી.. કેમ કે અહી તો જાણે જંગલ રાજ છે.. અને જંગલ રાજ કેવું હોય તેના કોઈ પુરાવા શોધવાની જરૂર પડશે નહિ કેમ કે પત્રમાં સ્થાનિક મામલતદારની લાચારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, છલીયેર ગામની મેસરી નદીમાં રેતીના માફિયાઓને પંચાયત અને ગામ લોકોએ વારંવાર રોકટોક કરવા છતાંય માફિયાઓએ સરપંચ શ્રીને પણ જે થાય તે કરી લો તેવો જવાબ આપ્યો..માથાભારે માફિયાઓએ મામલતદાર, કલેકટર તેમજ ખનીજ ખાતું ખરીદી લીધેલ છે તેમ જણાવે છે.

ડેસર તાલુકાના સેવા સદનમાં સરપંચશ્રીએ લેખિતમાં અરજીથી જાણ કરી છતાંય મામલતદાર સાહેબે ઉપર જાણ કરો,મારાથી કંઈજ થાય તેમ નથી. એવું જણાવ્યું મામલતદાર સાહેબે પણ હાથ ઊંચા કરી દીધા.. આગળ નદીમાં ફેલાતા પ્રદુષણ અને બેફામ રીતે દોડતા ડમ્પરના કારણે ત્રાહિમામ થઈ ગયા હોવાની પણ આપવીતી પત્રમાં દર્શાવવામાં આવી છે.

સાવલીમાં એક પછી એક નદી કાંઠાના ગ્રામજનો જાગૃત થઇ રહ્યા છે. ખનીજ ચોરો સામે ઘુટણીએ પડેલા સ્થાનિક વહીવટી તંત્રની પણ પોલ ખોલી રહ્યા છે. તંત્રએ તો ખનીજ માફિયાઓ સામે નાદારી જાહેર કરી દીધી.. હવે મીડિયા પાસે ન્યાયની અપેક્ષાએ મીટ માંડીને ગ્રામજનો બેઠા છે… જે વિરોધની આગ વીટોજ અને છાલીયેરથી શરુ થઇ છે. એ થોડા સમયમાં ભાદરવા,ખાંડી,જાલમપુરા, પરથમપુરાથી થઈને પોઈચા કનોડા સુધી પહોચશે.. કયો ખનીજ ચોર ભગત રોજ સવારે તેના ચોર પ્રભુને 11 વાગતા પહેલા 2-5 લાખનો રોજીંદો ચઢાવો પહોચાડે છે, તે પણ ખુલશે.. આ ચોર પ્રભુના આશીર્વાદથી જીવતા ખનીજ ચોરોની કરમ કુંડળી પણ ખુલશે..

Trending

Exit mobile version