વડોદરામાં દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયુ, AHTU એ 11 યુવતીઓને છોડાવી, 2 આરોપીની ધરપકડ કરવામાં આવી માસ્ટર માઇન્ડ મહિલાએ દેહવેપાર ચલાવવા ગુપ્ત ભોંયરું બનાવ્યું ને ત્યાંથી ભાગી ગઈ, ઘરમાં ગુપ્ત માર્ગ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઇઝ ટાવરમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. બે આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ, ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઇ શાહ (રહે. ફ્લેટ નં. 204-205, સનરાઇઝ ટાવર) આર્થિક લાલચ આપીને પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતી હતી અને ઇચ્છુક ગ્રાહકો સાથે 1200થી 1500 રૂપિયા રોકડા રૂપિયાની લેવડ-દેવડ કરી અનૈતિક દેહવ્યાપાર કરાવતી હતી.
દેહવેપાર ચાલતો હોવાની બાતમી મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને છોડાવવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજો તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી.
પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતાં આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બેસાડવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું, ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી મકાનમાંથી નીચેના માળે આવેલ દુકાનમાં અવરજવર થઈ શકે. આ ઉપરાંત બાજુના ફ્લેટમાં ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોંયરું જેવી જગ્યા બનાવવામાં આવી હતી. આ ભોંયરું પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પાસે ખુલતું હતું.
ફરાર આરોપીઓનો પહેલાં પણ દેહવ્યાપાર અને માનવ તસ્કરી સંબંધિત ગુનાઓમાં ઇતિહાસ છે, જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તેમજ POCSO એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. રેડમાંથી રોકડા રૂ. 4100, બે મોબાઇલ ફોન, નિરોધકો, એપલ લેપટોપ, વિવિધ નામના 11 લાઇટબિલ સહિત કુલ રૂ. 44,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ સી એચ આસુન્દ્રાએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે રેડ કરીને અમે 2 આરોપીની ધરપકડ કરી છે. આ સમયે 10 પશ્ચિમ બંગાળ અને 1 દાર્જિલિંગની યુવતીઓ પણ મળી આવી હતી. આ મામલે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.
પકડાયેલા આરોપીઓ:
1. સરોજકુમાર લક્ષ્મીપદા માલ (હાલ રાજ, વડોદરા, મૂળ રહે. પશ્ચિમ બંગાળ) 2. જીગરકુમાર રાજુભાઈ માછી (હાલ રહે, કિશનવાડી, વડોદરા, મૂળ રહે. રાજપીપળા)