Vadodara

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Published

on

  • વડોદરામાં નકલી નોટોનું નેટવર્ક ઝડપાયું: HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નોટો જમા કરાવતા ફૂટ્યો ભાંડો.
  • 5 આરોપીઓ વડોદરાથી અને મુખ્ય સપ્લાયર રાજસ્થાનના કેકડી ગામથી ઝડપાયો; કુલ ₹11.89 લાખનો મુદ્દામાલ જપ્ત.
  • દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું; SOG એ ગણતરીના કલાકોમાં વણઉકેલ્યો ગુનો ઉકેલી નાખ્યો.

વડોદરા શહેરમાં નકલી ચલણી નોટોના વેપલા દ્વારા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ટોળકીનો વડોદરા શહેર એસ.ઓ.જી. શાખાએ પર્દાફાશ કર્યો છે. વાઘોડીયા રોડ પર આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા થતા બેંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી મુખ્ય સૂત્રધાર સહિત 6 આરોપીઓને દબોચી લીધા છે.

🧐ઘટનાની વિગત:

ગત તા. 29 એપ્રિલના રોજ વાઘોડીયા રોડ પર આવેલી HDFC બેંકના મશીનમાં સાગર રમેશભાઈ મારુ નામના શખ્સના ખાતામાં ₹500ના દરની 20 નકલી નોટો જમા થઈ હોવાનું ડિટેક્ટ થયું હતું. આ અંગે બેંકના સુપરવાઈઝરે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ એસ.ઓ.જી.ને સોંપવામાં આવી હતી.

👮પોલીસની તપાસ અને ધરપકડ:

પી.આઈ. બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમે ટેકનિકલ સોર્સની મદદથી સૌ પ્રથમ ખાતાધારક સાગર મારુને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં અન્ય આરોપીઓ નિસર્ગ પટેલ, ધનુષ હલ્લીકેરી, ભાવેશ શર્મા અને તીર્થ લીખીયાના નામ ખુલ્યા હતા. આ તમામ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ નકલી નોટો રાજસ્થાનથી મંગાવવામાં આવી હતી.

🚨રાજસ્થાનથી મુખ્ય સપ્લાયર ઝડપાયો:

વડોદરા પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી અને ત્યાંથી મુખ્ય સપ્લાયર અક્ષય સાવરલાલ ગોયેલને કેકડી ગામથી ઝડપી પાડ્યો હતો. આ નેટવર્કમાં હજુ પણ એક આરોપી મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

👉કબજે કરેલ મુદ્દામાલ:

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹11,89,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:

  • ₹500ના દરની 85 નકલી ચલણી નોટો.
  • ₹2,27,500ની અસલી રોકડ રકમ.
  • ​એક હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ 15 CP 0008).
  • 5 મોબાઈલ ફોન.

Trending

Exit mobile version