ચોરોએ પાદરાના લતીપુરા ગામે ઇન્ડિયન બેંકના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
– અન્ય ચોરીને અંજામ આપવા નીકળ્યા અને એલસીબીએ ડભોઈના થુવાવી નજીકથી ઝડપી પાડ્યા
વડોદરા જીલ્લા ગ્રામ્ય એલ.સી.બી પોલીસની ટીમે બાતમીના આધારે જીલ્લાના વિવિધ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીઓની એક ટોળકી ને ઝડપી પાડીને ગુન્હાઓ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. એલ.સી.બીએ ડભોઇ માંથી પાંચ આરોપીઓની ધરપકડ કરીને અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લા એલ.સી.બી શાખાના પી.એસ.આઈ પી.કે ભૂતને માહિતી મળી હતી કે,પાદરામાં નોંધાયેલા એક ચોરીના ગુન્હામાં દાહોદના કેટલાક તસ્કરોની સંડોવણી છે. અને તે તસ્કરો હાલ ડભોઇ તાલુકાના થુવાવી ગામ પાસે આવનાર છે. જે માહિતીના આધારે એલસીબીની ટીમ વોચમાં હતી. તે દરમિયાન જીજે 20 પાર્સીંગની મોટરસાયકલ પર બે ઇસમો આવી પહોચ્યા હતા. અને ધીરેધીરે કુલ 5 ઈસમો ત્યાં ભેગા થયા હતા. પોલીસે પાંચેયની ધરપકડ કરી લીધી હતી. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ મંગલિયાભાઈ નરસિંગભાઈ માવી, મૂળ રહે. દાહોદ ,દીપક ઉર્ફે દીપો માળી, રહે. જાસપુર, પાદરા.,ઈશ્વર ઉર્ફે સુરેશ બામણીયા,શૈલેશ અરવિંદભાઈ પરમાર તેમજ મેહુલ બારિયા ત્રણેય રહે. દાહોદ હોવાનું જણાવ્યું હતું. ઓલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા .અને અન્ય ત્રણ સાથીઓ સાથે મળીને પાદરાના લતીપુરા ગામે ઇન્ડિયન બેંકનું શટર તોડી ચોરી કરી હતી. આ સાથે જશપુર ગામ નજીક ખેતરમાં આવેલા ઘરમાં ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી મોટરસાયકલ,5 મોબાઈલ ફોન તેમજ ચોરી કરવા માટે લાવવામાં આવેલા પરાઈ તેમજ ડીસમીસ અને 1900રૂ. રોકડ મળીને 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.