વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભણીયારા ગામના જૈન દેરાસર અને વાઘોડિયા GIDC ના અંબા માતાના મંદિરમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. દાહોદની આ કુખ્યાત ગેંગના એક સભ્યને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન LCB પી.આઈ. શ્રી કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
🧐તપાસ અને ધરપકડ:
LCB ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે, જૈન દેરાસરમાં ચોરી કરનાર આરોપી કલ્પેશ બદિયાભાઈ ભાભોર (રહે. ચિલાકોટા, દાહોદ) ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જરોદ-રવાલ રોડ પર નર્મદા કેનાલ પાસે આવનાર છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીને દબોચી લીધો હતો.
📍કબૂલાત અને ગુનાની રીત:
- ભણીયારા જૈન દેરાસર: આરોપીએ સ્વીકાર્યું કે ૨૦ દિવસ પહેલા તેના સાગરીતો અજીત ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે નીલેશ માંડોર સાથે મળીને આ ચોરી કરી હતી.
- અંબા માતા મંદિર (વાઘોડિયા GIDC): આ જ ટોળકીએ ૧૦ દિવસ પહેલા અંબા માતાના મંદિરમાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના છત્તરની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.
👉રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ:
પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૩૨,૧૭૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:
- ભગવાનના નકશીવાળા પંચધાતુના ૨ મુગટ (કિંમત રૂ. ૧૮,૦૦૦).
- સફેદ અને રંગીન મોતીની માળાઓ તથા કડલા.
- રોકડ રકમ રૂ. ૮,૫૦૦ અને મોબાઈલ ફોન.
🚨વોન્ટેડ આરોપીઓ:
૧. અજીત છગનભાઇ ભાભોર (રહે. દાહોદ)
૨. ઇસ્માઇલ ઉર્ફે નીલેશ ઉર્ફે વિજય માંડોર (રહે. દાહોદ)
વડોદરા ગ્રામ્ય પોલીસે જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મહત્વના ગુનાઓ ઉકેલીને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાકીના બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.