વડોદરા:શહેરમાં પશુપાલકો દ્વારા ગાયોને દોહ્યા બાદ એઠવાડ ખાવા માટે જાહેર રસ્તાઓ પર રખડતી મૂકી દેવાની વર્ષો જૂની સમસ્યા હવે ગંભીર બની રહી છે. રખડતા ઢોરના કારણે નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ (VMC) કાર્યવાહી તેજ કરી છે.
❓શું હતી સમગ્ર ઘટના?
ગઈ તા. 21 જાન્યુઆરીના રોજ બપોરના સમયે પાલિકાની ઢોર પાર્ટી નવાપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એસ.એસ.સી.ની જૂની ઓફિસ પાસેથી રસ્તે રખડતી બે ગાયો મળી આવતા તેને પકડી લેવામાં આવી હતી અને લાલબાગ સ્થિત ઢોર ડબ્બામાં પૂરી દેવામાં આવી હતી.
✍️આધાર પુરાવા સાથે પહોંચેલા માલિક સામે જ ફરિયાદ
ગાયો પકડાયાના ત્રણ દિવસ બાદ, પશુ માલિક રબારી ભાવેશ હસમુખભાઈ (રહે. રબારીવાસ, ખંડેરાવ મંદિર પાછળ) પોતાની ગાયો છોડાવવા માટે જરૂરી પુરાવા સાથે પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. જોકે, પાલિકાના કેટલ પોન્ડ સુપરવાઇઝર વિજય પંચાલે નોંધ્યું હતું કે પશુઓને રક્ષિત રાખવાને બદલે જાહેર માર્ગો પર એવી રીતે છૂટા મૂકવામાં આવ્યા હતા કે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમાઈ શકે.
🚨પોલીસ કાર્યવાહી
પાલિકા તંત્રની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપી પશુપાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
🫵વડોદરામાં રખડતા પશુઓના કારણે વર્ષ 2025 દરમિયાન અનેક ગંભીર અકસ્માતો નોંધાયા હતા, જેને પગલે હવે તંત્ર પશુ માલિકોને આકરો દંડ કરવા અને ફોજદારી ગુના નોંધવા સુધીની કાર્યવાહી કરી રહ્યું છે.