શહેરની પાલિકાને રજુઆત એક જ છે, અમારે રસ્તા, પાણી અને ડ્રેનેજની સુવિધા કરી આપે. અમે મત આપ્યા છે, છતાં રસ્તાની હાલત આવી છે
- વડોદરામાં સુવિધાથી વંચિત લોકોનો રોષ પોસ્ટર સ્વરૂપે બહાર આવ્યો.
- અટલાદરાની સોસાયટીમાં નેતાઓએ આવવું નહીં તેવા પોસ્ટર લાગ્યા.
- આગામી સમયમાં આ મુદ્દે આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારી.
વડોદરા પાલિકા ની ચૂંટણીને હજી સમય બાકી છે, ત્યારે રોડ-રસ્તાની પાયાની જરૂરિયાતોથી વંચિત નાગરિકોનો રોષ હવે પોસ્ટર સ્વરૂપે (Boycott Political Party – Poster) બહાર આવી રહ્યો છે. વડોદરાના વોર્ડ નં – 12 માં આવેલા અટલાદરામાં આવેલી સોસાયટી બહાર બેનર મારવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં કોઇ પણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા માટે આવવું નહીં. આમ, સોસાયટીના રહીશો દ્વારા નેતાઓનો બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં અનેક વિસ્તારોમાં આ રીતે વિરોધ સામે આવી શકે છે.
વિરોધકર્તાએ વીડિયો મારફતે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે, વોર્ડ 12 માં આવેલી પ્રમુખ કુટીર સોસાયટી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે, વારંવાર રજુઆત કરવા છતાં રોડ બનતો નથી. કાંસ વાળો કહે છે કે, કોર્પોરેશનને રજુઆત કરો, અને કોર્પોરેશન કહે છે કે કાંસ વાળાને રજુઆત કરો. અમારે જવાનું ક્યાં, છેલ્લા પાંચ વર્ષથી અમારો આવો જ રસ્તો છે. ભાજપ કે કોંગ્રેસ કોઇએ મત લેવા માટે આવવું નહીં (Boycott Political Party – Poster)
તેમણે વધુમાં કહ્યું કે, અમારા રસ્તાની હાલત ખુબ ખરાબ છે. પાલિકાને રજુઆત એક જ છે, અમારે રસ્તા, પાણી અને ડ્રેનેજની સુવિધા કરી આપે. પ્રજા ટેક્સ ભરે છે. અમે મત આપ્યા છે, છતાં રસ્તાની હાલત આવી છે. કોઇએ પ્રચાર કરવા આવવું નહીં (Boycott Political Party – Poster). જો કોઇ પણ પ્રચાર કરવામાં આવશે, તો તેનો વિરોધ કરવામાં આવશે. હું સાફ કહેવા માંગુ છું કે, આ રોડ નહીં થાય તો આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે.