વડોદરામાં વેપારમાં ભરોસો મૂકવો મુંબઈની એક કંપનીને ભારે પડ્યો છે. 40 લાખ હેન્ડ ગ્લોવ્ઝનો ઓર્ડર આપીને ₹63 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કર્યા બાદ, વડોદરાની કંપનીએ ન તો માલ મોકલ્યો ન તો પૈસા પરત કર્યા. જ્યારે મુંબઈથી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ ઉઘરાણી કરવા આવ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો સનસનીખેજ મામલો અટલાદરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
મુંબઈના ભાંડુપ વિસ્તારમાં રહેતા અને ‘Ivy Healthcare Solutions’ માં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા કમલાકર શુકલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે વડોદરાના જય અનિરુદ્ધભાઈ રાજાણી (વલ્લભી હર્બલ્સ) અને અમદાવાદના પાર્થ સુનિલ મહેતા (યશસ્વી પોલીમર્સ) સામે છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.
- મિત્રના ભરોસે સોદો: કમલાકર શુકલાને ગ્લોવ્ઝની જરૂર હોવાથી તેમના અમદાવાદના મિત્ર હિતેશ ગુપ્તાએ જય રાજાણીને ભરોસાપાત્ર ગણાવી પરિચય કરાવ્યો હતો.
- ₹63.22 લાખનું ટ્રાન્ઝેક્શન: મિત્રના કહેવા પર કમલાકરભાઈએ જય રાજાણીની કંપનીના એકાઉન્ટમાં 40 લાખ હેન્ડ ગ્લોવ્ઝ માટે કુલ ₹63,22,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
- વાયદા છતાં માલ ન મળ્યો: 15 દિવસમાં માલ મોકલવાનો વાયદો કર્યો હોવા છતાં મહિનાઓ વીતી ગયા પણ ગ્લોવ્ઝ મળ્યા નહીં. આરોપી જય રાજાણીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
🧐 ધમકી અને ફરિયાદ
જ્યારે ફરિયાદી કમલાકર શુકલા વડોદરાના અટલાદરા-પાદરા રોડ પર આવેલી જય રાજાણીની ઓફિસે પહોંચ્યા, ત્યારે જયે હાથ ઊંચા કરી દીધા હતા. તેણે જણાવ્યું કે મેં અમદાવાદના પાર્થ મહેતાને પૈસા આપી દીધા છે. જ્યારે કમલાકરભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે જય રાજાણી ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી હતી કે, “તમારાથી જે થાય તે કરી લો, કેસ કરવો હોય તો કરી દો, મારું કોઈ કંઈ ઉખાડી નહીં શકે.”
🚨પોલીસ કાર્યવાહી
આખરે કમલાકર શુકલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને ધમકીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અમદાવાદ અને વડોદરામાં તપાસના દોર લંબાવ્યા છે.