સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી શાંત રહેલી કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ એ ફરી એકવાર માથું ઊંચક્યું છે. જેલમાંથી છૂટીને આવેલા ગેંગના સાગરીત અશફાક શેખે જૂની અદાવતમાં યાકુતપુરા વિસ્તારમાં આતંક મચાવી બે રિક્ષાચાલક ભાઈઓ પર જીવલેણ હુમલો કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
📌ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સૈયદ બંધુઓ પર ગઈકાલે મોડી સાંજે બિચ્છુ ગેંગના અશફાક શેખે પોતાના સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો. અશફાક શેખ, જે અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે, તેણે જેલમાંથી બહાર આવતા જ ફરી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. જૂની અદાવતને મનમાં રાખીને અશફાક અને તેની ગેંગે ઘાતક હથિયારો અને લાકડીઓ વડે સૈયદ બંધુઓને બેફામ માર માર્યો હતો.
🎥CCTV માં કેદ થયો આતંક:
આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરો હુમલો કર્યા બાદ હથિયારો સાથે બિન્દાસ્ત ભાગી રહ્યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
🚨પોલીસ કાર્યવાહી:
ઘટનાની જાણ થતા જ સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અશફાક શેખ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ગેંગના આતંકને ડામી દેવા માટે શહેરના ઉચ્ચ અધિકારીઓએ સિટી પોલીસને કડક સૂચના આપી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
🧐વડોદરામાં ફરી એકવાર ગેંગ વોર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા પોલીસ આ બિચ્છુ ગેંગના ઝેરને કેવી રીતે ઉતારે છે.