31 ડીસેમ્બર આવતાની સાથે શરાબની હેરાફેરી કરતા બુટલેગરોમાં તેજી જોવા મળી રહી છે. જયારે બી તરફ પોલીસ દ્વારા પણ બુટલેગરોના તમામ કીમીયાઓ નિષ્ફળ કરવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વડોદરા જીલ્લા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે વિદેશી શરાબનો મોટો જથ્થો ભરીને વડોદરા તરફ આવતી એક બંધ બોડીના આઈસર ટેમ્પોને ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે.
મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન એવા ગુજરાત રાજ્યને નશામુક્ત રાજ્ય રાખવા માટે ગુજરાતમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાય વર્ષોથી ગુજરાતમાં બેફામ રીતે વિદેશી શરાબની હેરાફેરી થાય છે. અને લોકો છુપી રીતે શરાબનું સેવન પણ કરે છે. માલેતુજારો કાયદાથી છટકવા માટે શરાબ પીવાની પરમીત મેળવી લે છે. જયારે ગરીબ, મધ્યમ વર્ગના લોકો બુટલેગરો પાસેથી ઉંચી કિંમતે શરાબની ખરીદી કરે છે.
બુટલેગર અને પોલીસ વચ્ચે શરાબની હેરાફેરી મામલે વર્ષોથી ચોર પોલીસનો ખેલ ચાલ્યા જ કરે છે.જયારે આગામી થર્ટી ફર્સ્ટ અને ઉત્તરાયણમાં ગુજરાતમાં શરાબની મેહેફીલો માટે સ્ટોક પહોચાડવા બુટલેગરોએ પણ અવનવા કીમિયા શરુ કરી દીધા છે. જેમાં વડોદરા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે એક દિલ્હી પાર્સીંગના બંધ બોડીના આઈસર ટેમ્પોમાં સુરત તરફથી વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે કરજણ નજીક ભરથાણા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવી પહોચતા પોલીસે તેણે કોર્ડન કરીને રોકીને ચાલકની અટકાયત કરી હતી. ટેમ્પો ખોલીને જોતા તેમાં વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી શરાબની 734 પેટી મળી આવી હતી. જેમાં કુલ 35,332 જેટલી શરાબની બોટલો મળી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લીધો હતો. અને ચાલકની પૂછપરછ શરુ કરી હતી. કર્નાટકના રહેવાસી મહંમદ રફીક યારગટ્ટીની પુછપરછ કરતા અ શરાબનો જથ્થો વિનોદ નામના ઇસમે હુબલી બાયપાસ પર ભરી આપ્યો હતો. અને ગુજરાતમાં ક્યાં ઠેકાણે ડીલીવરી કરવાની છે તેની માહિતી ફોન પર આપનાર હતો.
પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી શરાબનો જથ્થો મોકલનાર વિનોદ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી લાખોની કિંમતના શરાબના જત્થા અને ટેમ્પો મળીને 45,33,200 રૂ. નો મુદ્દામાલ કબજે લીધો છે.