Vadodara

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Published

on

  • વડોદરાના વાઘોડીયા રોડ પરથી રાજકોટનો વોન્ટેડ આરોપી અક્ષય છાયાણી પોલીસના સકંજામાં.
  • પી.જી. હોસ્ટેલના ધંધામાં ભાગીદાર મિત્રના જ આઈડી પ્રૂફનો ઉપયોગ કરી મેળવી લીધી ₹25 લાખની હોમ લોન.
  • મિત્રની જાણ બહાર ખોટી સહીઓ કરી ‘લેટર ઓફ ગેરંટી’ ના ખોટા દસ્તાવેજો ઉભા કરવાનું કૌભાંડ.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક મહત્વની સફળતા મળી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

🧐ઘટનાની વિગત:

ઝડપાયેલ આરોપી અક્ષર ઉર્ફે અક્ષય લાલજીભાઈ છાયાણી (રહે. વૃંદાવન ચાર રસ્તા, વાઘોડીયા રોડ, મૂળ જસદણ) એ પોતાના જ પૂર્વ ભાગીદાર સાથે લાખોની ઠગાઈ આચરી હતી. વિગત મુજબ, ફરિયાદી અને આરોપી અગાઉ વડોદરામાં સાથે મળીને પી.જી. (PG) હોસ્ટેલનો વ્યવસાય કરતા હતા. બંને વચ્ચે થયેલા ભાડા કરારનો દસ્તાવેજ આરોપી પાસે હતો, જેનો તેણે દુરુપયોગ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

કેવી રીતે આચરી ઠગાઈ?

વર્ષ 2025માં આરોપીએ રાજકોટની જે.એમ. ફાયનાન્સીયલ લિમિટેડમાંથી ₹25,00,000 ની હોમ લોન લેવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. આ લોન મેળવવા માટે તેણે ફરિયાદીના આઈડી પ્રૂફ (ID Proof) નો તેની જાણ બહાર ઉપયોગ કર્યો હતો. આરોપીએ લોનમાં ગેરંટર તરીકે ફરિયાદીના નામે ખોટા ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા અને તેમાં ફરિયાદીની ખોટી સહીઓ કરી હતી. એટલું જ નહીં, ₹300ના સ્ટેમ્પ પેપર પર ‘લેટર ઓફ ગેરંટી’ નું ખોટું ડીડ પણ બનાવીને ફાયનાન્સ કંપનીમાં રજૂ કરી ₹25 લાખનો આર્થિક લાભ મેળવી લીધો હતો.

🚨પોલીસ કાર્યવાહી:

જ્યારે ફરિયાદીને આ છેતરપિંડીની જાણ થઈ, ત્યારે તેમણે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ગુનો નોંધાતા જ આરોપી અક્ષય છાયાણી જુદા-જુદા સ્થળોએ સંતાતો ફરતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મેળવી વૃંદાવન ચાર રસ્તા પાસેથી આરોપીને દબોચી લીધો હતો.

👮ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે તેને રાજકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Trending

Exit mobile version