વડોદરા શહેરમાં રહેણાંકની મંજૂરી મેળવીને તે જગ્યાનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનારા તત્વો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના આદેશથી ટાઉન પ્લાનિંગ વિભાગે કારેલીબાગ અને ગોરવા વિસ્તારમાં ત્રાટકીને ગેરકાયદેસર ચાલતી કુલ 10 દુકાનોને સીલ કરી છે.
- કારીલીબાગમાં કાર્યવાહી:
ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણી અને તેમની ટીમ દ્વારા કારેલીબાગના જીવનભારતી ચાર રસ્તા પાસે આવેલ ગાંધીગ્રામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બ્લોક નંબર 22 પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ મિલકતના માલિકે વિકાસ પરવાનગી માત્ર રહેણાંક હેતુ માટે લીધી હતી, પરંતુ સ્થળ પર રહેણાંકને બદલે કોમર્શિયલ દુકાનો બનાવીને વ્યવસાય શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ ઉલ્લંઘનને પગલે તંત્ર દ્વારા દુકાનને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
- ગોરવા વિસ્તારમાં સીલિંગ:
તે જ રીતે ગોરવા વિસ્તારની શબનમ પાર્ક સોસાયટીમાં પણ રહેણાંક મકાનોમાં બિનપરવાનગી રીતે કોમર્શિયલ વપરાશ થતો હોવાનું સામે આવ્યું હતું. અહીં વડોદરા કોર્પોરેશનની ટીમે કુલ 9 દુકાનોને સીલ કરી દીધી છે.
- પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા મુખ્ય કારણ:
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓને કારણે રોડ પર ટ્રાફિકનું ભારણ વધે છે અને લોકો આડેધડ પાર્કિંગ કરે છે. આ સમસ્યાના નિરાકરણ માટે અને રહેણાંક સોસાયટીઓની શાંતિ જળવાય તે હેતુથી આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
🫵તંત્રની અપીલ:
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા માત્ર સીલિંગ જ નહીં, પરંતુ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને એપાર્ટમેન્ટના માલિકોને માર્જિન અને પાર્કિંગની જગ્યામાં સુવ્યવસ્થિત વ્યવસ્થા જાળવવા માટે જાગૃત પણ કરવામાં આવ્યા હતા.