Vadodara

વડોદરા: સરદાર ભુવનના ખાંચામાં રહેણાંક કોમ્પલેક્ષ પાસે મસમોટો ખાડો પડતા ફાળ પડી, ગેસ સપ્લાય બંધ કરાયો

Published

on

વડોદરા: શહેરના અતિ વ્યસ્ત એવા સરદાર ભુવનના ખાંચામાં એક રહેણાંક કોમ્પલેક્ષની બિલકુલ બહાર અચાનક જમીન ધસી પડતા મસમોટો ખાડો સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ખાડો કોઈ જૂના ખાડકુવા અથવા વાવના કારણે પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાવચેતીના ભાગરૂપે ગેસ પુરવઠો બંધ

ઘટનાની જાણ થતા જ ગેસ લિમિટેડની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જમીન ધસી પડવાના કારણે ગેસ લાઈનને નુકસાન ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના પગલાં રૂપે સમગ્ર વિસ્તારનો ગેસ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.

🧐તંત્ર અને કોર્પોરેટર સ્થળ પર

સ્થાનિક કોર્પોરેટર શ્વેતાબેન ઉતેકર પણ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રહીશોની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા અત્યારે ખાડો પડવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • શંકા: શું જમીનની નીચે કોઈ જૂની વાવ કે ખાડકુવો દબાયેલો હતો?
  • તપાસ: એન્જિનિયરિંગ વિભાગ માટીના પ્રકાર અને લાઈનોની ચકાસણી કરી રહ્યું છે.

🚸નાગરિકોને સુરક્ષિત રહેવા અપીલ

​તંત્ર દ્વારા આસપાસના રહીશોને ખાડાની નજીક ન જવા અને સુરક્ષિત અંતર જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. જ્યાં સુધી એન્જિનિયરિંગ વિભાગ ક્લિયરન્સ ન આપે ત્યાં સુધી આ વિસ્તારમાં સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

Trending

Exit mobile version