પ્રવાસીઓ માટે ચેતવણી:સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને સાવચેતી રાખવા અને વૈકલ્પિક માર્ગ વાપરવા અપીલ.
સ્થિતિ સુધરવાની શક્યતા:આગામી ૩ થી ૪ કલાકમાં પાણી ઓસરી જવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
વડોદરા/ડભોઈ: વડોદરા અને આસપાસના પંથકમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. દરમિયાન, વડોદરાથી ડભોઈ તરફ જતા મુખ્ય માર્ગ પર રાજલી ગામ પાસે વરસાદી પાણી ફરી વળતા સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
🧐તંત્રની સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના:
માર્ગ પર પાણી ભરાયા હોવાની માહિતી મળતા જ પ્રાંત કચેરી, સ્થાનિક પોલીસ અને માર્ગ મકાન વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા સમયસૂચકતા વાપરીને તાત્કાલિક અસરથી આ માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અજાણતા પસાર થતા વાહનો પાણીમાં ફસાઈ જવાની અથવા કોઈ ગંભીર દુર્ઘટના સર્જાવાની ઘટનાઓને સફળતાપૂર્વક ટાળી શકાઈ છે.
👉પ્રવાસીઓ માટે સાવચેતીની સૂચના:
આ માર્ગ વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતાનગર) તરફ જતા પ્રવાસીઓ માટે પણ મુખ્ય માર્ગ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસે જઈ રહેલા નાગરિકો અને પ્રવાસીઓને વિશેષ તકેદારી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અથવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
હાલ વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને અંદાજે આગામી ૩ થી ૪ કલાકમાં પાણી ઓસરી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારબાદ સ્થિતિ સામાન્ય થતાં જ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવશે.