- જાગૃત નાગરિકે કહ્યું કે, અમારા સ્વજનના અસ્થિ બીજું કોઇ ના લઇ જાય તેની અમનેે ચિંતા છે. અમારી મદદ કરવા માટે કોઇ હાજર નથી.
- આજથી શહેરના 31 સ્મશાનોનો વહીવટ સંસ્થાઓને સોંપાયો
- મૃતકના સ્વજનોએ તમામ વ્યવસ્થા જાતે જ કરવી પડી હોવાનો દાવો
- સંસ્થાના સંચાલકો કહ્યું કે, આજે અમારો પહેલો દિવસ છે, આગામી સમયમાં સુવિધા વધશે
આજથી વડોદરા ના 31 સ્મશાનોમાં સેવા-સુવિધાનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો છે. અને આજે સ્મશાનમાં ભારે અંધાધૂંધી સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. સ્વજનના મૃતદેહોને લઇને સ્મશાને આવેલા લોકોએ જાતે જ ઘાસ-પૂડા, લાકડા અને છાણાની વ્યવસ્થા કરવી પડી છે. ચાર ચાર વખત ફોન કર્યા બાદ પણ મૃતકના નામની નોંધણી કરવા માટે કોઇ હાજર નહીં હોવાથી સમયનો વેડફાટ થયો હોવાનો આરોપ લોકો લગાડી રહ્યા છે. બીજી તરફ અગાઉ જે સંસ્થા મફતમાં આ વહીવટી સંભાળતી હતી, તેની પાસે પાલિકાની કોન્ટ્રાક્ટ મેળવેલ સંસ્થાઓ જઇને મદદ માંગતા જુની ટીમો ફરી તૈનાત કરવામાં આવી છે. આ અંગે કોન્ટ્રાક્ટ મેળવનાર સંસ્થાના સંચાલકો કહ્યું હતું કે, આજથી અમે કામ હાથમાં લીધું છે. ગત સાંજે અમે મીટિંગ લીધી હતી. આજે અમારો પહેલો દિવસ છે. આગામી દિવસોમાં લોકોની સુવિધા વધશે.
વડોદરા પાલિકા દ્વારા સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપ્યો છે. અગાઉ જલારામ ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ આ વહીવટ નિશુલ્ક કરતી હતી. હવે પાલિકા પ્રતિ મૃતદેહ સંસ્થાને પૈસાની ચૂકવણી કરશે. જો કે, આજે સંસ્થાને સાર્જ સોંપ્યાના પ્રથમ દિવસે જ વડોદરાના સૌથી જુના અને મોટા ખાસવાડી સ્મશાનમાં ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. આજે સવારે જ્યારે લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમક્રિયા માટે પહોંચ્યા ત્યારે સ્થળ પર કોઇ સુવિધા ન્હતી, અને તેમની મદદ માટે કોઇ હાજર ન્હતું. મૃતકના સ્વજનોએ જાતે જ ઘાસ-પૂડા, ચિતાની ટ્રે, લાકડા, છાણા સહિતની વ્યવસ્થા કરવી પડી છે. મૃતકની નોંધ કરવા સુદ્ધાં કોઇ સ્થળ પર હાજર ન્હતું. આખરે લોકોએ અસુવિધા મામલે મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો છે. જાગૃત નાગરિકે મીડિયાને કહ્યું કે, અમારા સ્વજનના અસ્થિ બીજું કોઇ ના લઇ જાય તેની અમનેે ચિંતા છે. અમારી મદદ કરવા માટે કોઇ હાજર નથી.
આ અંગે જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકરે મીડિયાને જણાવ્યું કે, અમારી સંસ્થાન અગાઉ ખાસવાડી સ્મશાનનું વહીવટી કરતી હતી. હાલ જે સંસ્થા માધુરી એજ્યુકેશન ટ્રસ્ટને કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ અમારા ટ્રસ્ટીને મળ્યા હતા. અને તેમણે મદદ માંગી હતી. જેથી અમારા ટ્રસ્ટી દ્વારા વડોદરાવાસીઓના હિત માટે અમને ફરી સ્મશાનમાં મુકવામાં આવ્યા છે. બીજી તરફ આ અંગે માધુરી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકે મીડિયાને જણાવ્યું કે, આજથી અમે કામ હાથમાં લીધું છે. ગત સાંજે અમે મીટિંગ લીધી હતી. આજે અમારો પહેલો દિવસ છે. આગામી દિવસોમાં લોકોની સુવિધા વધશે. અમે જે કંઇ ખૂટે છે, તેની તુરંત ભરપાઇ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ.