પોર ગ્રામ પંચાયતના તમામ વોર્ડમાં પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
બંને પ્રતિસ્પર્ધી પેનલોએ સરપંચના એક ઉમેદવારને સમર્થન આપ્યું
(મૌલિક પટેલ-એડિટર) ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પંચાયતો સમરસ થઈ હોય તેવા અનેક કિસ્સાઓ છે. જેમાં વડોદરા તાલુકાના પોર ગ્રામ પંચાયતનો કિસ્સો સૌથી અલગ તરી આવે છે. પોર ગ્રામ પંચાયતની ચુંટણી રાજકીય માથાઓની દખલગીરીને કારણે આ ચુંટણીને ફક્ત ગ્રામ્ય કક્ષાની ચુંટણી નહિ પણ જીલ્લામાં વર્ચસ્વની ચુંટણી તરીકે જોવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચના ઉમેદવાર પાછળ વિધાનસભાની ચુંટણીની જેમ કરોડોનો ખર્ચ પણ કરવામાં આવે છે.
વડોદરા તાલુકા, ડભોઇ વિધાનસભા અને કરજણના રાજકારણનું ત્રિવેણી સંગમ એટલે પોર ગામ, આ ગામમાં અત્યાર સુધીના ગ્રામ પંચાયતની ચુંટણીમાં એક થી એક ચડિયાતા દાવપેચ થતા આવ્યા છે. સહકારી ક્ષેત્રે “મોટા” માથાઓ માટે પણ પોર જીતવું એ અહમ સંતોષવા બરાબરની લડાઈ છે. રાજકીય ક્ષેત્રની ચર્ચા પ્રમાણે પોર ગ્રામ પંચાયતની ચુંટણી જીલ્લાની ગ્રામ પંચાયતોમાં સૌથી ખર્ચાળ ચુંટણી કહેવાય છે. અહી ચુંટણી જીતવા માટે વોર્ડ કક્ષાથી લઈને સરપંચ પદ માટે કરોડોનો ખર્ચ થાય છે. સરકારી ચોપડે ભલે ખર્ચની મર્યાદા હોય,પણ 6000થી વધુ વસ્તી ધરાવતા પોર ગ્રામ પંચાયતની ચુંટણીમાં પ્રતિ મત 2000 થી 3000નો ખર્ચ ભૂતકાળમાં થઇ ચુક્યો છે.
સત્તા માટે પાણીની જેમ રૂપિયા વહાવતા રાજકીય આકાઓ ફક્ત ગામમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા પોતાના સર્મથકોને મેદાને ઉતારે છે. જ્યાં ઉમેદવારો પણ કરોડોના આસામી હોય છે. જોકે આ વખતે ચુંટણી થાય તે પહેલા જ સંપૂર્ણ પોર ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતા સમજુતીના નવા રાજકીય સમીકરણો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
પોર ગ્રામ પંચાયતના 12 વોર્ડ માટે બે પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જે બાદ બંને પેનલોએ સમજુતીથી 6-6 ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા હતા. જયારે સરપંચ પદની અનુસુચિત આદિજાતી બેઠક માટે સંજય વસાવાને બિનહરીફ કરાવ્યા હતા. આમ વગર ચુંટણી બંને જૂથ દ્વારા કરોડોના આંધણ સિવાય સત્તામાં પોતાનો હિસ્સો નોંધાવ્યો હતો. આ સમજુતીના નવા સમીકરણો રાજકીય ક્ષેત્રે આગામી સમયમાં નવા દ્વાર ખોલે તો નવાઈ નહિ!