વડોદરા જિલ્લા એલસીબી પોલીસના સ્ટાફે બાતમીના આધારે વિદેશી શરાબ ભરીને વડોદરામાં પ્રવેશી રહેલી એક બોલેરો પીકપ ગાડીને ઝડપી પાડી હતી. જ્યારે ગાડી માંથી 92,400 ની કિંમતની વિદેશી શરાબની બોટલો સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
લોકસભાની ચૂંટણીના પરિણામ ની તારીખો નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો પણ પોતાના વેપલામાં સક્રિય થવા માંડ્યા છે. વડોદરા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા સતત વિદેશી શરાબની હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ જિલ્લા એલસીબીને વધુ એક સફળતા મળી હતી. એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે, અણખોલ ગામની સીમમાં એલ એન્ડ ટી કંપની પાછળ એક મહારાષ્ટ્ર પાર્સિંગની બોલેરો પીકપ ગાડીમાં વિદેશી શરાબ લાવવામાં આવી રહ્યો છે.
જે બાતમીના આધારે પોલીસે બંસી બેંકવેટ હોલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગની બોલેરો પિકપ આવી પહોંચતા પોલીસે તેને રોકતા તેમાંથી મૂળ પાલઘરના રહેવાસી કૌશલ સંતોષ મરાઠે તેમજ વાલકેશ્વર ભાગીનાથ દેવરે મળી આવ્યા હતા. બોલેરો પીકપમાં નાની મોટી શરાબની તેમજ બિયરની 876 જેટલી બોટલો મળી હતી. જ્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને પાંચ લાખની બોલેરો પીકપ ગાડી, 92,400 ની કિંમત નો વિદેશી શરાબનો જથ્થો તેમજ મોબાઇલ ફોન મળી, 6,02,400 નો મુદ્દામાલ કબજે લીધો છે.