રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના આમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધની ફરજીયાત કરાવવાની રહે છે. તેમ છતાય કેટલાક પશુપાલકો દ્વારા નોંધની નહિ કરવામાં આવતા આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. જેમાં સુભાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યો હતો.
શહેરમાં રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજીયાત કરવાની રહે છે. તેમ છતાય હજી સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી. શહેરના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા નજીક આવેલા એક ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવતા હતા. આ મામલે પશુપાલકને વારંવાર નોટીસ આપ્યા છતાય નોટિસને અવગણીને ઢોરવાડાની નોંધણી કરાવી ન હતી. જેથી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ સાથે મળીને કૃણાલ સોસાયટી ચાર રસ્તા નજીક સંજીવન સોસાયટીમાં આવેલા ઢોરવાડાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વળતામાં ઢોરવાડાના માલિકે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. નોટીસ આપ્યા છતાય રજીસ્ટ્રેશન નહિ કરાવનાર પશુપાલકે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે. અમરા પશુ રાખવા શેની પરવાનગી લેવાની હોય? તંત્ર અમને આતંકવાદી બનવા મજબુર કરે છે.