Vadodara

વેરો ઉઘરાવવામાં શૂરું પાલિકા તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ! અમે વેરો ગંદા પાણી માટે ભરીએ છીએ?”

Published

on

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં વેરો ભરતી જનતા આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ અધિકારીઓને સતત મોનિટરિંગની સૂચના આપે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત ગંભીર છે. શહેરના વોર્ડ નં. 2 માં છેલ્લા 6 મહિનાથી રહીશો ગટરનું ગંધાતું અને કાળું પાણી પીવા મજબૂર બન્યા છે.

🧐સ્થાનિકોનો રોષ:

વોર્ડ નં. 2 ના રહીશોનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી. નળ ખોલતાની સાથે જ કાળું અને દુર્ગંધ મારતું પાણી આવે છે, જેના કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક પરિવારો પોતાના મકાનો ખાલી કરીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે.

🛑કોર્પોરેટરોની નિષ્ક્રિયતા:

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારના ચારેય કોર્પોરેટરો સમસ્યાથી પૂરેપૂરા વાકેફ છે, તેમ છતાં તેઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર માત્ર પાણીના ટેન્કરો મોકલીને સંતોષ માની લે છે, પરંતુ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં કોઈને રસ નથી.

⚠️ઈન્દોરની ઘટનાનો ઉલ્લેખ:

તાજેતરમાં જ ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડોદરામાં પણ ડ્રેનેજ લાઈન પીવાની પાણીની લાઈન સાથે મિક્સ થઈ હોવાની પૂરેપૂરી શક્યતા છે. શું પાલિકા તંત્ર વડોદરામાં પણ કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે?

🫵લોકોના સવાલ:

“અમે નિયમિત વેરો ભરીએ છીએ, તો અમને ચોખ્ખું પાણી કેમ નથી મળતું?” આ સવાલ આજે વોર્ડ નં. 2 નો દરેક નાગરિક પૂછી રહ્યો છે. લોકોએ આજે ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો હતો અને ચીમકી આપી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન તેજ કરવામાં આવશે.

➡️વડોદરામાં સ્વચ્છતા અને સુવિધાના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 2 ની આ વાસ્તવિકતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર ક્યારે જાગે છે.

Trending

Exit mobile version