તંત્ર પર સવાલો: ‘કાયદામાં રહી ફાયદામાં રહે’ના સૂત્રો વચ્ચે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા કે પછી ‘મલાઈ’નો ખેલ?
ડેસર: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામે આજે એક એવી કરુણ ઘટના સામે આવી છે, જેણે વહીવટી તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. અહીં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ચાલતા માટી ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા બે કામદારો માટીના તોતિંગ થર નીચે દટાઈ ગયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું છે.
🧐દુર્ઘટના બાદ માફિયાઓ ફરાર:
મૃતકોમાં હીટાચી ઓપરેટર અને ટ્રક કંડકટરનો સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતા એ છે કે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં, ખનન સાથે સંકળાયેલા માફિયાઓ અને જવાબદાર લોકો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘાયલોને સમયસર સારવાર પણ ન મળી, જેના કારણે જિંદગીઓ બચાવી શકાઈ હોત તો પણ કદાચ બચી શકી હોત.
❓ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં:
આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર માટી ખનન ચાલતું હોવાની ચર્ચાઓ આમ નાગરિકોમાં દબાયેલા અવાજે થઈ રહી છે. સવાલ એ થાય છે કે, શું સ્થાનિક વહીવટી તંત્ર અને ખનીજ વિભાગને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહીં હોય? શું વહીવટી તંત્ર અને નેતાઓની મિલીભગત વગર આટલો મોટો ખેલ શક્ય છે? જનતામાં એવી ચર્ચા છે કે ‘મલાઈ’ ખાતા મોભીઓની રહેમનજર હેઠળ જ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે.
🗣️[લોક આક્રોશ અને માંગ]
મૃતકોના પરિવારજનોએ આક્રમક વલણ અપનાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. લોકોનો પ્રશ્ન છે કે:
શું અમારી જાગૃત સરકાર આ ઘોર નિદ્રામાંથી ક્યારે જાગશે?
કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? ગેરકાયદેસર ખનન કરનારાઓને કાયદાનો ડર કેમ નથી?
👉ડેસર પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ તપાસ માત્ર કાગળ પર રહે છે કે પછી ખરેખર માસ્ટરમાઇન્ડ સુધી પહોંચે છે, તે જોવું રહ્યું. બે નિર્દોષ જીવોએ તો જીવ ગુમાવ્યો છે, હવે જવાબદારો સામે ક્યારે ન્યાયિક કાર્યવાહી થાય છે, તે પ્રશ્ન મોટો છે.