Vadodara

સામાન્ય રીતે ખોટમાં ચાલતા એસટી વિભાગને રક્ષાબંધનનો પર્વ ફળ્યો

Published

on

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધનનો પર્વ રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા હોય છે. અને મોટી સંખ્યામાં લોકો આ રક્ષાબંધનના પર્વ પૂર્વેના દિવસોથી પોતાના વતન તરફ જતા હોય છે. જેથી એસટી વિભાગ દ્વારા સિડ્યુલ બસો સાથે વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા એસટી વિભાગને માત્ર ત્રણ દિવસમાં લાખો રૂપિયાની વધારે આવક પ્રાપ્ત થઇ છે.

વડોદરા એસટી ડિવિઝન દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે સમયસર પહોંચી અને રાખડી બાંધી શકે કે બંધાવી શકે તે માટે વડોદરા એસટી ડેપો ખાતે થી અમદાવાદ, ગોધરા, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુર, પાવગઢ અને સૌરાષ્ટ્ર તરફ ના રૂટો પર 100 બસો વધારાની દોડાવામાં આવી હતી. જેમાં 50 હજાર ઉપરાંત મુસાફરોએ મુસાફરી કરી હતી.

વડોદરા એસટી ડેપોના અધિકારીએ જાણવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં એસટી વિભાગને 30 થી 35 લાખની આવક થતી હોય છે. પરંતુ રક્ષાબંધનના પર્વ પર મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી ત્રણ દિવસ માટે 235 સિડ્યુલ બસો સાથે અમદાવાદ, ગોધરા, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુર, પાવગઢ સહિત અન્ય રૂટો પર 100 વધારાની બસો દોડવામાં આવી હતી. જેમાં દાહોદ, ગોધરા અને અમદાવાદ રૂટ પર મુસાફરોનો ઘસારો વધારે રહ્યો હતો. અને એસટી વિભાગને 19.90 લાખ જેટલી આવક થઇ હતી.

Trending

Exit mobile version