Vadodara

સ્માર્ટ સિટીની ગંદી વાસ્તવિકતા: વડોદરાના જેલ રોડ પર ગટરના પાણીનું ઉભરાણ; વેપારીઓ અને વાહનચાલકો હાલાકીમાં

Published

on

  • વિકાસના દાવા પોકળ: જેલ રોડ પર ગટરના ગંદા પાણી ઉભરાતા રસ્તાઓ બન્યા નરક; તીવ્ર દુર્ગંધથી જનતાનું જીવવું થયું દુભર.
  • અકસ્માતનું જોખમ: ટુ-વ્હીલર ચાલકો ચીકણા પાણીમાં સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે, તેમ છતાં પાલિકા તંત્ર મૌન.
  • રોગચાળાનો ભય: ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી ડેન્ગ્યુ-મલેરિયાનું જોખમ; ભરઉનાળે સ્થાનિકો સ્વાસ્થ્યની ચિંતામાં.
  • પાલિકાની લાલિયાવાડી: વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન; સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર અસર.

વડોદરા: સ્માર્ટ સિટીના બણગા ફૂંકતી વડોદરા મહાનગરપાલિકાના તંત્રની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. શહેરના અત્યંત વ્યસ્ત અને હાર્દ સમાન ગણાતા ‘જેલ રોડ’ પર છેલ્લા કેટલાક સમયથી ગટર લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે નાગરિકો ઠંડક ઝંખતા હોય, ત્યારે આ ગંદકીએ સમગ્ર વિસ્તારને નરકાગાર બનાવી દીધો છે.

🧐જીવવું દુભર બન્યું:

જેલ રોડ પર મુખ્ય માર્ગ પર ગટરના પાણી વહેતા હોવાથી અહીંથી પસાર થવું દુષ્કર બન્યું છે. સ્થાનિક વેપારીઓ જણાવે છે કે દુર્ગંધને કારણે ગ્રાહકો દુકાને આવતા ડરે છે, જેનાથી વેપાર પર માઠી અસર પડી છે. તો બીજી તરફ, વાહનચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગટરના પાણીને કારણે રસ્તો લપસણો બની ગયો છે, જેના લીધે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

⚠️રોગચાળો ફાટી નીકળવાની ભીતિ:

આ વિસ્તારના રહીશોની સૌથી મોટી ચિંતા રોગચાળાની છે. ગંદા પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે. ગંદકી સુકાઈને હવામાં ઉડતી હોવાથી શ્વાસના રોગોનું જોખમ પણ વધ્યું છે. તેમ છતાં પાલિકાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ નક્કર પગલાં લેતા નથી.

🗣️[લોક આક્રોશ]

“અમે પાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ માત્ર આશ્વાસનો આપે છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર ફોટા પડાવવા છે, ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ થતું નથી.” – સ્થાનિક વેપારી

🫵પાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ શોભી રહ્યા છે, તે આ દ્રશ્યો સાબિત કરે છે. પ્રજાના ટેક્સના પૈસે ચાલતા તંત્રએ હવે જાગવાનો સમય આવી ગયો છે, અન્યથા સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Trending

Exit mobile version