મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. એક તરફ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનું NABH (National Accreditation Board for Hospitals) પ્રમાણપત્ર અપાવવા માટે તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ ઝીરો પર ગરીબ દર્દીઓની લાચારી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જી રહી છે. શું સર્ટિફિકેટ મેળવવા માટે પાયાની સુવિધાઓ સુધારવી જરૂરી છે કે પછી માત્ર દેખાડો?
આ દ્રશ્યો જુઓ, આ એ જ સયાજી હોસ્પિટલ છે જ્યાં કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અહીં ગરીબ દર્દીના સગાંઓ પોતે જ વોર્ડબોય બની સ્ટ્રેચર ખેંચી રહ્યા છે. હોસ્પિટલના કેમ્પસમાં રખડતા ઢોર અને ગંદકી તો સામાન્ય વાત છે, પણ હવે સ્ટાફના અભાવે દર્દીઓની સુરક્ષા અને સેવા પણ રામભરોસે છે.
હજુ બે દિવસ અગાઉ જ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરએ આખા કેમ્પસની આકસ્મિક મુલાકાત લીધી હતી. ગંદકી અને ખામીઓ જોઈ તેમનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સાહેબની આ ‘ખખડામણી’ ની અસર માત્ર ગણતરીની મિનિટો જ રહી. આજે પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળી રહ્યો નથી.
સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, આજે જ્યારે NABH ની ટીમ મુલાકાતે છે, ત્યારે હોસ્પિટલ તંત્રએ ક્ષતિઓ સુધારવાને બદલે તેને છુપાવવાનો નવો કિમીયો અપનાવ્યો છે. જે જે જગ્યાએ કામો અધૂરા છે અથવા જ્યાં ગંદકી છે, તેને ‘ગ્રીન નેટ’ (લીલી જાળી) લગાવીને ઢાંકી દેવામાં આવ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, આ વિકાસ છે કે માત્ર ‘મેકઅપ’? ટીમને ગેરમાર્ગે દોરવાથી વ્યવસ્થા સુધરી જશે?
🏥સયાજી હોસ્પિટલના આ વરવા દ્રશ્યો પરથી અનેક વેધક સવાલો ઉભા થાય છે:
શું NABH ની મુલાકાત માત્ર કાગળ પરની સુવિધાઓ માટે જ છે?
કરોડોના બજેટ છતાં દર્દીના સગાએ મજૂરી કેમ કરવી પડે છે?
શું બેદરકાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ માત્ર મૌખિક સૂચનાઓ જ અપાશે કે કોઈ કડક કાર્યવાહી થશે?
🧐ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી આ હોસ્પિટલમાં હવે વાસ્તવિક સુધારાની જરૂર છે, નહીં કે માત્ર ‘લીલા કપડાં’ પાછળ સત્યને છુપાવવાની.