- 85,000 યુનિટ લોહીનો નાશ: ગુજરાતની બ્લડ બેંકોની નબળી કામગીરીના કારણે હજારો યુનિટ રક્તનો બગાડ થયો છે.
- કેન્દ્રીય મંત્રાલયનો રિપોર્ટ: વર્ષ 2025 ના આંકડાઓ મુજબ રાજ્યમાં એકત્રિત થયેલું લાખો યુનિટ રક્ત વેરફાયું છે.
- સંક્રમણ અને એક્સપાયરી મુખ્ય કારણ: એચઆઇવી, હેપેટાઇટીસ જેવા રોગોવાળા સંક્રમિત રક્ત અને સમયમર્યાદા પૂરી થવાથી જથ્થો નષ્ટ કરાયો.
- સંકલનનો અભાવ: બ્લડ બેંકો વચ્ચે યોગ્ય વ્યવસ્થાપન અને સંકલન ન હોવાને કારણે કિંમતી લોહી કચરામાં ગયું છે.
ગાંધીનગર/વડોદરા: એક તરફ અકસ્માત કે ગંભીર બીમારીઓ સામે જિંદગી અને મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીઓ માટે લોહીનું એક-એક ટીપું અમૂલ્ય સાબિત થાય છે અને પોતાના સ્વજનોનો જીવ બચાવવા લોકો રઝળપાટ કરે છે, તો બીજી તરફ ગુજરાતમાંથી સામે આવેલા એક અત્યંત ચોંકાવનારા આંકડાએ રક્તદાતાઓને હચમચાવી મૂક્યા છે. રાજ્યની બ્લડ બેંકોની ઘોર બેદરકારી અને નબળા વ્યવસ્થાપનને કારણે દર્દીઓનો અમૂલ્ય જીવ બચાવી શકે તેવું 85,000 યુનિટથી વધુ લોહી કચરામાં ફેંકી દેવાનો વારો આવ્યો છે.
🧐કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો અહેવાલ:
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન ગુજરાતની વિવિધ બ્લડ બેંકો દ્વારા કુલ 11,86,978 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. અનેક સેવાભાવી સંસ્થાઓ અને રક્તદાન શિબિરોના અથાક પ્રયાસોથી આ જથ્થો ભેગો થયો હતો, પરંતુ કમનસીબી એ છે કે તેમાંથી 85,000 થી વધુ યુનિટ રક્ત દર્દીઓની નસો સુધી પહોંચવાને બદલે નષ્ટ કરવું પડ્યું હતું.
🩸રક્ત બગાડ પાછળના મુખ્ય બે ગંભીર કારણો:
અહેવાલ મુજબ આટલા મોટા પ્રમાણમાં રક્તનો બગાડ થવા પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર છે. પ્રથમ કારણ એ છે કે, રક્તદાન કરનારા કેટલાક લોકો અજાણતા જ એચઆઇવી, હેપેટાઇટીસ-બી, હેપેટાઇટીસ-સી, સિફિલિસ કે મલેરિયા જેવી જીવલેણ બીમારીઓથી પીડાતા હોય છે. યોગ્ય પ્રી-સ્ક્રીનિંગ ન થવાને કારણે આવા સંક્રમિત લોકો પણ રક્તદાન કરી દે છે અને બાદમાં ટેસ્ટિંગ દરમિયાન ચેપ માલૂમ પડતાં દર્દીઓની સુરક્ષા ખાતર આ બ્લડ યુનિટ્સનો ફરજિયાત નિકાલ કરવો પડે છે.
બીજું કારણ સમયમર્યાદા (એક્સપાયરી ડેટ) પૂરી થવી તે છે. બ્લડ બેંકો વચ્ચે પરસ્પર સંકલનનો અભાવ હોવાના કારણે જ્યાં લોહીની વાસ્તવિક અછત હોય ત્યાં જથ્થો સમયસર પહોંચતો નથી અને જ્યાં જરૂર ન હોય ત્યાં લોહી પડ્યું-પડ્યું એક્સપાયર થઈ જાય છે.
🗣️અન્ય ટેકનિકલ અને વ્યવસ્થાપકીય કારણો:
આ ઉપરાંત સેન્ટ્રીફ્યુગેશન દરમિયાન કે હેન્ડલિંગમાં બ્લડ બેગ લીક થવી, લોહીમાં ગઠ્ઠા જામી જવા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવું અથવા હિમોલિસિસ થવું પણ આ નુકસાન માટે જવાબદાર છે. જો લોહી નિયત તાપમાન બહાર રહ્યું હોય અથવા હોસ્પિટલના વોર્ડમાંથી 30 મિનિટ કરતાં વધુ સમય બહાર રહ્યા પછી પરત આવ્યું હોય, તો પણ સુરક્ષાના ધોરણો મુજબ તેનો ઉપયોગ કરી શકાતો નથી.