વડોદરા શહેર નજીક નંદેસરી GIDC ની ખાનગી કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય યુવાન નોકરી પરથી ઘરે પહોંચ્યા બાદ અચાનક ચક્કર ખાઈને પડી ગયા બાદ મોતને ભેટ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે મૃત્યુનું કારણ શું છે તે પોસ્ટ મોર્ટમ બાદ જાહેર થશે.
નંદેસરી બલાભાઈની ચાલીમાં રહેતા 51 વર્ષીય કાળુભાઇ બાદરભાઈ વસાવાએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, તેઓનો 27 વર્ષીય પુત્ર રાહુલ વસાવા નંદેસરી GIDCની સુજાગ ફાઇન કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. ગત 8 ઓગસ્ટના રાત્રીના સમયે તેઓનો પુત્ર રાહુલ વસાવા કંપનીમાં નોકરીએ ગયો હતો અને નોકરીના સમય બાદ પણ ઓવરટાઈમ કરીને 24 કલાક નોકરી કરીને બીજે દિવસે 9 ઓગસ્ટના રાત્રે 8 વાગ્યાના અરસામાં ઘરે પહોંચ્યો હતો.
રાહુલ વસાવા ઘરે આવીને બાથરૂમમાં હાથપગ ધોઈને બહાર આવતા જ ચક્કર ખાઈને પડી ગયો હતો.જ્યાં તેણે તાત્કાલિક ખાનગી વાહનમાં નંદેસરીની દિપક ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના 9.30 કલાકે રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
રાહુલ વસાવા શ્રાવણ માસનો ઉપવાસ કરતો હતો. આ સાથે કેમિકલ કંપનીમાં 24 કલાક સુધી નોકરી પર હતા. ઓવરટાઈમ નોકરી કરીને થાકી જવાથી કે ભૂખ્યા પેટે રહેવાથી તેઓ ચક્કર ખાઈને પડયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જોકે શંકાસ્પદ મોતને કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું અસલી કારણ સામે આવશે તેમ લાગી રહ્યું છે.