શહેરના તરસાલીમાં સ્લમ ક્વાટર્સમાં બિરાજમાન ગણેશજીના પંડાલ નજીક પથ્થર ફેંકાયા હોવાનું ધ્યાને આવતા પોલીસ દોડીને ગઇ હતી
- વડોદરામાં ગણોશોત્સવ દરમિયાન ફરી એક વખત ના બનવાનું બન્યું
- તરસાલીમાં ગણેશ પંડાલ નજીક વાહન પર પથ્થર પડતા ઉત્તેજના વ્યાપી
- ડીસીપી સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતી સંભાળી
વડોદરાના તરસાલીમાં આવેલા સ્લમ ક્વાટર્સમાં ગણેશજીની મૂર્તિ બેસાડવામાં આવી છે. ગતરાત્રે અહિંયા છપ્પનભોગ ધરાવવાનું આયોજન હતું. દરમિયાન ગણેશ પંડાલ નજીકમાં પાર્ક કરેલા વાહનમાંથી અવાજ આવતા સ્થાનિકો તે દિશામાં દોડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધાબાની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ કંઇ નક્કર હાથ લાગ્યું ન્હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે વિવિધ ટીમો બનાવીને મામલાની સઘન તપાસ હાથ ધરી છે.
વડોદરા માં ગણોશોત્સવ દરમિયાન અટકચાળાની ઘટનાઓ સામે આવતા પોલીસે ચાંપતો બંદોબસ્ત મુક્યો છે. છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ શ્રીજીની આગમનયાત્રામાં ઈંડુ ફેંકવામાં આવ્યું હતું. ત્યાર બાદ સિટી પોલીસે સઘન કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 8 આરોપીઓને દબોચી લીધા છે. આ બાદ ગતરોજ તરસાલી સ્લમ ક્વાટર્સમાં બિરાજમાન ગણેશજીના પંડાલ નજીક પથ્થર ફેંકાયા હોવાનું ધ્યાને આવતા પોલીસ દોડીને ગઇ હતી. જો કે, પ્રાથમિક તપાસમાં સ્થળ પર કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું.
ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, તરસાલી વિસ્તારમાં, મકરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ગણેશ પંડાલ આવેલું છે. ત્યાંથી એવી માહિતી સામે આવી કે, પંડાલની બાજુમાં મુકેલા વાહન પર કંઇક પડ્યું હોય તેવો અવાજ આવ્યો હતો. અને તે વાતનું ધ્યાન દોર્યું હતું. પ્રત્યેક પંડાલ પર પોલીસ કર્મીની નિયુક્તિ કરવામાં આવી છે. આ વાત પંડાલમાં નિયુક્ત જવાનને ધ્યાને આવતા તેણે પોલીસને જાણ કરી હતી. જે બાદ એસીપી સહિત અમે તમામ દોડી આવ્યા હતા. અમે શું ફેંકવામાં આવ્યું, અને કોના દ્વારા ફેંકવામાં આવું તેની તપાસ કરી રહ્યા છીએ. વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે. અત્યાર સુધી ધાબાની તપાસમાં કંઇ શંકાસ્પદ મળી આવ્યું નથી. અમારા દ્વારા તુરંત કોમ્બિંગ કરવામાં આવ્યું છે. અમે આયોજકોના સંપર્કમાં છીએ. કોઇને કંઇ વાગ્યું હોય તેવું ધ્યાને આવ્યું નથી. લોકોએ અફવાહથી બચવું જોઇએ.