નેતાઓ અને અધિકારીઓ સામસામે:સાંસદ ડૉ. હેમાંગ જોશી અને 5 ધારાસભ્યોની હાજરીમાં લોકપ્રશ્નોની વિસ્તૃત ચર્ચા.
ઇમર્જન્સી પ્લાન:નીચાણવાળા વિસ્તારોની ઓળખ, આશ્રયસ્થાનોની યાદી અને ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ રાખવા માર્ગદર્શન.
વડોદરા: વડોદરા જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી અને સકારાત્મક નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ’ તેમજ ‘પ્રી-મોન્સૂન કામગીરી’ની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડોદરાના સાંસદ અને તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
🧐લોકપ્રશ્નોના નિકાલ માટે કડક આદેશ:
સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પડતર પ્રશ્નો અંગે કલેક્ટરે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. બેઠકમાં રોડ-રસ્તાની મરામત, પીવાનું પાણી, કેનાલ સફાઈ, જમીન માપણી, અને એમજીવીસીએલ (MGVCL) સહિતના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. કલેક્ટર અનિલ ધામેલીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ બેઠક માત્ર ચર્ચા માટેની નથી પરંતુ પ્રશ્નોના પોઝીટીવ નિરાકરણ માટેની છે. તમામ વિભાગોમાં પારદર્શિતા લાવી સમયમર્યાદામાં નિકાલ લાવવા તેમણે તાકીદ કરી હતી.
👉ચોમાસા પૂર્વેની તૈયારીઓનો માસ્ટર પ્લાન:
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન કામગીરી અંગે પણ વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે વાવાઝોડું કે ભારે વરસાદની સ્થિતિમાં જનજીવન પ્રભાવિત ન થાય તે માટે અધિકારીઓને નીચે મુજબના મહત્વના માર્ગદર્શક સૂચનો આપ્યા હતા:
સેફ્ટી અને સર્વે: શહેરમાં આવેલા મહાકાય હોર્ડિંગ્સ વરસાદના લીધે પડે નહીં તેની તકેદારી રાખવી અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જર્જરિત મકાનોની યાદી તૈયાર કરી નોટિસ આપવી.
સફાઈ અને પાણી: વરસાદી પાણીના નિકાલ માટે ગટર, કેનાલ અને કાંસની સમયસર સફાઈ કરાવવી તેમજ રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરિનેશન સુનિશ્ચિત કરવું.
ઇમર્જન્સી સજ્જતા: ચોમાસા દરમિયાન ‘રાઉન્ડ ધી ક્લોક’ (24 કલાક) કંટ્રોલરૂમ ચાલુ રાખવો. આશ્રયસ્થાનો તરીકે શાળાઓની યાદી તૈયાર રાખવી અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સમયસર સ્થળાંતર કરાવવું.
આરોગ્ય અને સંસાધનો: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી સેવાઓ, દવાનો પૂરતો જથ્થો અને પાવર બેકઅપ રાખવા તેમજ ફાયર અને રેસ્ક્યુની ટીમોને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
👉ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની ઉપસ્થિતિ:
આ હાઈલેવલ બેઠકમાં વડોદરાના નવનિર્વાચિત સંસદ સભ્ય ડૉ. હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ સહિતના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
🫵ચોમાસું નજીક છે ત્યારે તંત્ર દ્વારા કાગળ પર તો મજબૂત આયોજન દેખાઈ રહ્યું છે, પરંતુ કલેક્ટરના આ આદેશોનું ગ્રાઉન્ડ લેવલ પર કેટલું પાલન થાય છે તે આવનારો સમય જ બતાવશે.