- તંત્રએ જાણે નક્કી જ કર્યું છે કે, અકસ્માત થાય પછી જ જાગવાનું?
- અસંખ્ય ગેરકાયદેસર વાનમાં ઘેટાંની જેમ મુસાફરો ભરીને લઈ જવાય છે
- હપ્તાખોરી અને રહેમનજરના પરિણામે આસપાસના દુકાનદારો પરેશાન,વારંવાર ફરિયાદો કરી
- સ્થાનિક પોલીસની પણ નૈતિક જવાબદારી, છતાંય કાર્યવાહી શૂન્ય!
શહેરના છેવાડે આવેલા સોમા તળાવ પાસેના એસટી બસ સ્ટોપ પોઈન્ટ પર બારે મહિના ખાનગી વાહન ચાલકોનો અડીંગ હોય છે, તેઓ આ માર્ગ પર ડભોઇથી છોટાઉદેપુર અને પંચમહાલ સુધીના મુસાફરોને લઈ બેરોફટોક ફરી રહ્યા છે. અહીં ટ્રાફિક પોલીસ, આરટીઓ અને પાલિકા તંત્રના પાપે ગેરકાયદેસર વાહનો તથા લારી, ગલ્લા, પથ્થરાના દબાણના કારણે આજુબાજુ રહેતા અને વ્યવસાય કરનારાઓને ભારે તકલીફ પડી રહી છે. ટ્રાફિક પોલીસ બે, ચાર ખાનગી વાહન ચાલકોને મેમો આપી સંતોષ માને છે.
પરંતુ ઊભી થતી દૈનિક ટ્રાફિકની સમસ્યા હલ કરી શકવામાં અસમર્થ રહે છે! છાશવારે સમગ્ર માર્ગ પર અકસ્માતના બનાવો અને તેને કારણે મૃત્યુ થવાની ઘટના પણ બની રહી છે પરંતુ તંત્રના પાપે આવી ઘટના અટકી રહી નથી. આ મામલે વારંવાર પોલીસ વિભાગને વિવિધ માધ્યમ દ્વારા ફરિયાદ આવે છે પરંતુ હપ્તાખોર કર્મચારીઓ અહીં આકાર પામેલું ટેક્સી સ્ટેન્ડ હવે ખસવા દેતા નથી.