રૂ. 17 લાખથી વધુનો મુદ્દામાલ:દારૂ ઉપરાંત 2 વાહનો અને મોબાઈલ મળી કુલ રૂ. 17,07,620/- નો મુદ્દામાલ કબજે કરાયો.
1 ની ધરપકડ, 8 વોન્ટેડ:નિખીલ તડવી નામના શખસની ધરપકડ થઈ છે જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો:પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે રાજ્યના પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક દ્વારા આપવામાં આવેલા કડક આદેશોના પગલે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)સંપૂર્ણપણે એક્શનમાં આવ્યું છે. SMC ના પી.આઈ. વાય. જે. રાઠોડની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીના કોમન પ્લોટ પાસે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ આકસ્મિક રેઈડના કારણે દારૂનો કારોબાર ચલાવતા તત્વોમાં ભારે હચમચ મચી ગયો હતો.
🧐લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત
પોલીસની આ સફળ રેઈડ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ૫૫ પેટીઓ, જેમાંથી 2,208 નંગ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 8,47,920/- થાય છે. દારૂના આ મોટા જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી 2 વાહનો અને 1 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 17,07,620/- ની મતાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોનું નેટવર્ક હચમચી ગયું છે.
🚨કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો અને ધરપકડ
આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૪૩૨૫૦૪૭૧/૨૦૨૬ થી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપી નિખીલ ભરતભાઈ તડવી (રહે. વઘેલી, તા. તિલકવાડા, જિ. નર્મદા) ની ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મુખ્ય આરોપીઓ જેવા કે વિપુલભાઈ પંચાલ, સંદિપ ઉર્ફે પુકો રાજપુત, ભાવેશ રાજપુત, આશીષ બારિયા, આતિષ ઠાકોર તેમજ વાહન માલિકો અને દારૂ સપ્લાયર્સ સહિત કુલ 8 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
👮વોન્ટેડ આરોપીઓની સઘન શોધખોળ શરૂ
પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે આ રેકેટના અન્ય કડીઓ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વોન્ટેડ જાહેર કરાયેલા શખસોને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે અને સંડોવાયેલા તમામ આરોપીઓને સળિયા પાછળ ધકેલવા કડક પગલાં લેવાઈ રહ્યા છે.