આ ઘટના સયાજી હોસ્પિટલના માળખાકીય ખામીઓ અને દર્દી સુરક્ષાના પ્રશ્નો ફરીથી ઊભા કરે છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક દર્દીએ સારવાર દરમિયાન આપઘાતનો પ્રયાસ કરતા અંતે મોત નીપજ્યું છે. 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર, વડોદરાના ખોડિયારનગર ન્યૂ વીઆઈપી રોડ પાસેની વ્રજધામ સોસાયટીના રહેવાસી હતા. તેઓ 5 નવેમ્બરે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલના ન્યૂ સર્જિકલ બિલ્ડિંગમાં દાખલ કરાયા હતા.
8 નવેમ્બરના રોજ સવારે તેમના દીકરા ઘરે ગયા બાદ દયાનંદ પવારે વોર્ડની બારીમાંથી કુદીને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના સ્પેશિયલ રૂમની બારીમાં એર કન્ડીશન માટે કાપેલા સળિયા મરામતના અભાવે ખુલ્લા રહેતા વૃદ્ધને બહાર કુદવાનો મોકો મળ્યો હતો.આ ઘટનાની બાદ રૂમને તાત્કાલિક તાળાબંધ કરવામાં આવ્યો હતો અને દર્દીને ગંભીર હાલતમાં SICUમાં ખસેડી સારવાર અપાઈ હતી, પરંતુ આખરે તેમની મોત નીપજ્યું.
હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે દર્દી અકસ્માતના કેસમાં દાખલ હતા અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા સંબંધિત મેન્ટેનન્સ કામ પીઆઈયુ વિભાગ હેઠળ આવે છે અને તેમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.આ બનાવથી ફરી એકવાર સયાજી હોસ્પિટલની માળખાકીય ખામીઓ તથા દર્દી સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.