વડોદરા શહેરના અતિશય ટ્રાફિકથી ધમધમતા માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રે ડમ્પર માંથી ઓઇલ લીક થતા આખા રસ્તા પર ઓઇલ ઢોળાઈ ગયું હતું. જેને લઈને અનેક નાના વાહનચાલકો સ્લીપ થઈને પડયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે જાગૃત નાગરિકો અને પોલીસે બેરીકેટ આડા કરીને રેતી નાખીને રસ્તો સુરક્ષિત કરવાની કવાયત હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રીના સમયે ચાંપાનેર દરવાજા તરફથી ગેંડીગેટ દરવાજા તરફ એક ડમ્પર પસાર થયું હતું. ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાના કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું.
ઓઇલ લીક થતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર પાણી ઢોળાયું હોવાનું સમજી ટુ વ્હીલર વાહનચાલકો પસાર થતા જ સ્લીપ થઈને પડયા હતા.
આશરે 30 થી 35 જેટલા વાહનચાલકો સ્લીપ થઈને પડતા અનેકને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું ત્યાં બેરીકેટ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો. અને રેતી તેમજ માટીથી ઢોળાયેલા ઓઇલ પર આવરણ પાથર્યું હતું.