વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદારે તેઓના જ મતવિસ્તારના મોકસી ગામે ગ્રામપંચાયતમાં ગેરરીતી થયા હોવાના ગંભીર આક્ષેપો સાથેનો પત્ર જીલ્લા વિકાસ અધિકારીને લખીને તપાસની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના મોકસી ગ્રામ પંચાયતના કેટલાક સભ્યો તેમજ ગ્રામજનોએ મોકસી ગ્રામ પંચાયતમાં થયેલી કથિત ગેરરીતી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ધારાસભ્યએ મોકસી ગ્રામ પંચાયતના બેંક સ્ટેટમેન્ટ અને આકારણીની તપાસ કરવા માટે જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, “તલાટી અને સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોય તેમ જણાવેલ છે. પંચાયતના બેંક એકાઉન્ટની ડીટેલ્સ જોતા સરપંચ તથા તલાટીના મળતીયાઓના નામના ચેકો ઉપાડી વહીવટ કરેલ છે. અને પંચાયતની વેરા પાવતીઓ જોતા સરપંચ તલાટીના અંગત વ્યકિતઓના વેરા ઓછા કાપી ખરેખર ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતીઓ આપેલ છે. અને ઉઘરાવેલ વેરાઓ પણ જમાં કરાવેલ નથી. આ બાબતે અંગત રસ લઈ સમગ્ર તાલુકામાં ગ્રામપંચાયતના વહીવટ કરતા સરપંચ/તલાટીઓ ઘ્વારા કરેલ ઉચાપતની તપાસ કરવી ખરેખર ઉચાપત થયેલ હોય તો કસુરવારો ઉ૫૨ કાયદાકીય તટસ્ત કાર્યવાહી કરવી તથા ભવિષ્યમાં કોઈ પણ ગ્રામપચાયત ધ્વારા ગેરવહીવટ ન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવી.”
Advertisement
ધારાસભ્યએ ગ્રામ પંચાયતના વહીવટમાં થયેલી ગેરરીતી અંગે લખેલા પત્રથી સાવલી પંથકમાં ચર્ચા જાગી છે. પંચાયતના કથિત ગેરવહીવટ માટે ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હોય તેવા ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. જોકે આવા કિસ્સાઓમાં ધારાસભ્ય દ્વારા સંબંધિત અધિકારીને મૌખિક સૂચન આપવામાં આવતું હોય છે. ધારાસભ્ય પોતે ગ્રામ પંચાયતના વહીવટની તપાસ માટે અધિકારીને પત્ર લખે તેવો કિસ્સો જવલ્લે જ જોવા મળે છે.