Savli

“વિકાસ હદ પાર કરી ગયો!” નગરપાલિકાએ R&B વિભાગની હદમાં પેવરબ્લોક નાખી દીધા,ફરિયાદ થતા માપણી કરાઈ

Published

on

  • 389 કરોડના ખર્ચે જે રોડનું નવીનીકરણ મંજૂર થયું છે ત્યાં નગરપાલિકાએ પેવરબ્લોક બેસાડી દીધા!
  • CM સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ બાદ R&B વિભાગ આજે માપણી માટે પહોંચ્યું
  • ટેન્ડર વિના જ માણીતાને કામગીરી સોંપી દેવાઈ હોવાના આક્ષેપો, કટકી મેળવવા માટે સત્તાધીશો નગરપાલિકાની હદ પણ ચુકી ગયા?

વડોદરાના સાવલી નગર પાલિકાએ સાવલી પોલીસ સ્ટેશનથી પોઇચા ચોકડી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી સામે નગરપાલિકાના વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કર્યા બાદ આજે R&B વિભાગ દ્વારા રસ્તાની માપણી કરવામાં આવી હતી. જેમાં નગર પાલિકાએ R&Bના રસ્તા પર 10 થી 12 ફૂટ જેટલા અંદર સુધી પેવર બ્લોક નાખી દીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બ્લોકને કાઢી લેવા માટે સૂચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

વડોદરાની સાવલી નગરપાલિકા વારંવાર વિવાદમાં આવતી રહે છે. નગરપાલિકાને ઘર પરિવાર અને ભાઈ-ભાઈની પેઢી સમજીને કરવામાં આવતા વહીવટમાં ઓનપેપર ટેન્ડર બહાર પાડીને યોગ્યતા પ્રમાણે ઇજારો સોંપવાની કોઈ પ્રક્રિયા જોવા મળતી નથી. શોપિંગ સેન્ટર હોય કે પેવર બ્લોક મનફાવે તેવા નિર્ણયો લઈને સરકાર તરફથી અને પ્રજાના વેરા સ્વરૂપે આવતા નાણાંનો સતત વ્યય થતો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

સાવલી નગરપાલિકાએ થોડા સમય પહેલા સાવલી પોલીસ સ્ટેશનથી પોઇચા ચોકડી સુધી રોડના કિનારે પૅવરબ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી R&B વિભાગના સ્ટેટ રોડ પર કરવામાં આવી હોવાની શંકાને આધારે નગરપાલિકાના વિપક્ષના નેતા હસમુખ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય સુધી નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ સાથે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 24 મીટર પહોળાઈ વાળા સાવલીથી ઉદલપુર સુધીના રસ્તાને સરકારે 389 કરોડના ખર્ચે જ્યારે બનાવવાની મંજૂરી આપી છે ત્યારે આજ રસ્તાની હદમાં નગરપાલિકા પેવરબ્લોક નાખીને લાખો રૂપિયા વેડફી રહી છે. રસ્તાનું કામ શરૂ થશે એટલે પેવરબ્લોક કાઢવા પડશે અને તેના કારણે થયેલો ખર્ચ વેડફાઈ જશે.

મુખ્યમંત્રી કાર્યાલય સુધી થયેલી રજુઆત બાદ આજે R&B વિભાગની ટિમ રસ્તાની માપણી માટે આવી પહોંચી હતી. જ્યાં માપણી બાદ જાણવા મળ્યું કે,R&B વિભાગની જવાબદારી વાળા માર્ગ પર લગભગ 12 ફૂટ સુધી નગરપાલિકાએ પેવર બ્લોક નાખી દીધા છે. આ મામલે બંને વિભાગો દ્વારા પેવર બ્લોક કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું.

મહત્વનુ છે કે વિકાસ કરવાની હોડમાં નગરપાલિકા પોતાનો હદ વિસ્તાર પણ ભૂલો પડી ગઈ છે. જે સ્થળે અન્ય સરકારી વિભાગ રસ્તો બનાવવાનું છે. ત્યાં પેવરબ્લોક નાખવા માટે આટલી ઉતાવળ કેમ કરવી પડી? તે સવાલ ઉભો થાય છે. સ્ટેટ રોડ પર નગરપાલિકાએ પેવરબ્લોક નાખી દીધાની ઘટના નગરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વિકાસ કરવાની હોડમાં હદની બહાર પણ વિકાસ થઈ જાય તેવો કિસ્સો પહેલી વાર જોવા મળ્યો છે.

Advertisement

Trending

Exit mobile version